VIDEO: શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી સામે તંત્ર મૂકપ્રેક્ષક
સોર્સ : gstv
અમરેલી તાલુકાના ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી થઈ રહેલી બેફામ ગેરકાયદેસર રેતી ચોરીને પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા મહિલાઓ અને પુરુષોએ કલેક્ટર અને ખાણ ખનીજ કચેરીએ પહોંચી રામધૂન બોલાવીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો આરોપ છે કે શેત્રુંજી નદીમાંથી રાત-દિવસ થતી ખનીજ ચોરીના કારણે ગામને મોટું નુકસાન થઈ રહ્યું છે. અને જો આવી જ સ્થિતિ રહી તો ગામને હીજરત કરવાનો વારો આવશે. રેતી ભરેલા ભારે વાહનોથી રસ્તાઓ બિસ્માર બન્યા છે અને અકસ્માતનો ભય રહે છે. જો આગામી સાત દિવસમાં રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

