Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Sardar Sarovar Dam 65 percent full: System alert, 35 teams in action amid heavy rains in Saurashtra-South Gujarat

સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી પૂર વચ્ચે તંત્ર એલર્ટ, 35 ટીમો એક્શનમાં

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સરદાર સરોવર ડેમ 65  ટકા ભરાયો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી પૂર વચ્ચે તંત્ર એલર્ટ,  35 ટીમો એક્શનમાં
સોર્સ : gstv

રાજ્યમાં ચોમાસું 2026 પૂરી તાકાત સાથે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકારે જાહેર કરેલા સંકલિત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં આજ સવારના 6:00 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 138.75 મિમિ (આશરે સાડા પાંચ ઇંચ)વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 15.26% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના 6 સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે તો 5 ડેમને હાઈ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે.

App Store

રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

•અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં 9 ઇંચથી વધુ, ખાંભામાં 6 ઇંચથી વધુ અને સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, જાફરાબાદ, બગસરા અને લીલીયા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
•ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ અને આહવા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
•છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં સરેરાશ 4 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
•સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના જેસર અને નવસારીના ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે.
•ભાવનગરના મહુવા અને ગારીયાધાર, વલસાડના વાપી, ઉમરગામ અને કપરાડા,તાપીના ડોલવણ, વ્યારા અને વાલોડ, ગીર સોમનાથના ગીર ગઢડા અને કોડીનાર, નવસારીના ગણદેવી, સુરેન્દ્રનગરના ચુડા, સુરતના અંબિકા તેમજ અમરેલી તાલુકામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

સિઝનનો સરેરાશ વરસાદ 

આજે (છઠ્ઠી જુલાઈ) સવારે 6 કલાક સુધીની સ્થિતિએ રાજ્યમાં મોસમનો એકંદરે 6 ઇંચથી વધુ એટલે કે સરેરાશ 17 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં..

•સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 23 ટકાથી વધુ.
•દક્ષિણ ગુજરાત ઝોનમાં 20 ટકાથી વધુ.
•પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12 ટકાથી વધુ.
•ઉત્તર ગુજરાત ઝોનમાં 10 ટકાથી વધુ.
•કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ નોંધાયો.

રાજ્યના જળાશયોની સ્થિતિ

ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2.15 લાખ MCFT એટલે કે આશરે 65 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 2.09 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.

•રાજ્યના 02 ડેમ સંપૂર્ણ 100% ભરાયા છે, 18 ડેમ 70%થી વધુ, 20 ડેમ 50%થી વધુ, 49 ડેમ 25%થી વધુ અને 117 ડેમ 25% કરતા ઓછા ભરાયેલા છે.
•વર્તમાન જળસપાટીને જોતાં 06 ડેમ 'હાઇ એલર્ટ' પર, 07 ડેમ 'એલર્ટ' પર અને 07 ડેમ 'વોર્નિંગ લેવલ' પર રાખવામાં આવ્યા છે.

સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી

વરસાદની સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. નવસારી, જૂનાગઢ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં કુલ 777 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૬૦ નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

NDRF અને SDRFની ટીમો તહેનાત

રાજ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરી હેઠળ NDRFની 10 અને SDRFની 25 ટીમો મળીને કુલ 35 ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત, તાકીદની જરૂરિયાત માટે NDRFની 4 અને SDRFની 8 ટીમોને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના

ભારતીય હવામાન વિભાગની આગાહી અને દરિયામાં સર્જાયેલા કરંટને ધ્યાને રાખીને, રાજ્યના તમામ માછીમારોને આગામી નવમી જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી

ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યના કુલ 2,804 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઊર્જા વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને 2,738 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલા 66 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.