Amreli માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલાં, પણ MSP કરતાં 600 રૂપિયા ઓછા ભાવે થઈ રહી છે ખરીદી

અમરેલી જિલ્લાના ખેડૂતોને આ વર્ષે મગફળીનો મબલખ પાક હોવા છતાં પોષણક્ષમ ભાવો ન મળતા ભારે નિરાશા વ્યાપી છે. અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે, પરંતુ સરકારે નિર્ધારિત કરેલા રૂ. 1452 ના ટેકાના ભાવ સામે ખુલ્લા બજારની હરરાજીમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે. આ ભાવોના મોટા તફાવતનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેના કારણે મગફળીની ગુણવત્તામાં આવેલો ઘટાડો હોવાનું સામે આવ્યું છે.
મગફળીથી યાર્ડ છલકાયા, પણ ખેડૂતો હતાશ
અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી લઈને મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું છે. પરંતુ ખેડૂતોની ચાર મહિનાની કાળી મહેનત છતાં તેમને પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવસો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની વ્યથા
નેસડીના ખેડૂત ધનજીભાઈ પાનસેરીયા અને અભરામપરાના કિશોરભાઈ જાદવ જેવા અનેક ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે, 'મોંઘાદાટ ખાતર-બિયારણનો ઉપયોગ કર્યા બાદ પણ જાહેર હરરાજીમાં માંડ રૂ. 800 થી રૂ. 1000 સુધીના ભાવો મળી રહ્યા છે, જે ટેકાના ભાવ રૂ. 1452 કરતાં રૂ. 500 થી રૂ. 600 ઓછા છે. આનાથી તેમની મહેનતનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની ગયો છે'.
કમોસમી વરસાદ બન્યો ખેડૂતો માટે 'કાળ'
ખેડૂતોને ઓછા ભાવ મળવા પાછળનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. આ વરસાદને કારણે મોટાભાગની મગફળીની ગુણવત્તા બગડી ગઈ છે. ખુલ્લા બજારના વેપારીઓ ઓછી ગુણવત્તાવાળી મગફળીના ઓછા ભાવ આપે છે.
બીજી તરફ, સરકાર ટેકાના ભાવે ખરીદી માટે કડક ગુણવત્તાના માપદંડો રાખે છે, જેના કારણે કમોસમી વરસાદથી નુકસાન પામેલી મગફળી ટેકાના ભાવે વેચાતી નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને નછૂટકે ખુલ્લા બજારમાં રૂ. 500 આસપાસની ખોટ ખાઈને પોતાની મગફળી વેચવાની ફરજ પડી રહી છે.

