VIDEO: મેઘાણીનગર પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ, 25 વર્ષની દીકરીને ગુમાવનાર અમરેલીના પરિવારની આંખો ફરી ભરાઈ
અમદાવાદના ગમખ્વાર પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થતાં જ અમરેલીના પડસાલા પરિવારની આંખો ફરી ભરાઈ આવી છે, જેણે આ દુર્ઘટનામાં પોતાની 25 વર્ષની લાડલી દીકરી રિધ્ધિને ગુમાવી હતી. લંડન સ્થાયી થવાના સપના સાથે 12 જૂન 2025ના રોજ રીધ્ધિને અમદાવાદ એરપોર્ટ પર મૂકીને પરિવાર પરત ફરી રહ્યો હતો, ત્યાં જ પ્લેન ક્રેશના માઠા સમાચાર મળ્યા હતા. પાંચ દિવસની લાંબી રાહ અને ડીએનએ ટેસ્ટ બાદ દીકરીનો મૃતદેહ મળ્યો હતો, જેની અંતિમ વિધિ અમરેલીમાં કરાઈ હતી. માતા ગીતાબેન જણાવે છે કે દીકરીના મોત બાદ બધી સરકારી સહાય જમાઈને મળી, જેમણે છ મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા, પણ અમારું તો બધું જ લૂંટાઈ ગયું છે.
રડતી આંખે રીધ્ધિની માતાએ છેલ્લી ક્ષણો યાદ કરતાં કહ્યું કે, એરપોર્ટ પર દીકરીએ વ્હાલથી કહ્યું હતું કે 'તમે ઘરે જઈને સૂઈ જાવ, હું લંડન પહોંચીને ફોન કરીશ', પરંતુ ફોનના બદલે મોતના સમાચાર આવ્યા. આ ભયાનક અકસ્માતમાં અમરેલી જિલ્લાના કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં એક દંપતી અને વડીયાના યુવાનનો પણ સમાવેશ થાય છે. આજે એક વર્ષ બાદ પણ ન્યાયની આશામાં ગીતાબેન સરકારી સહાય નકારીને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે, સરકાર પ્લેન ક્રેશનું અસલી કારણ જાણવા 'બ્લેક બોક્સ'નો ડેટા જાહેર કરે, જેથી ભવિષ્યમાં કોઈ માતાએ પોતાની લાડલી ગુમાવવાનો વારો ન આવે.

