Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : BJP's dissidents are the real players in the letter scandal

લેટરકાંડમાં ભાજપના અસંતુષ્ટો જ અસલી ખેલાડી, કોંગ્રેસ માત્ર મહોરૂં; સૌરાષ્ટ્રના ત્રણ નેતા વિપક્ષની ભૂમિકામાં

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News
લેટરકાંડમાં ભાજપના અસંતુષ્ટો જ અસલી ખેલાડી, કોંગ્રેસ માત્ર મહોરૂં; સૌરાષ્ટ્રના ત્રણ નેતા વિપક્ષની ભૂમિકામાં

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવતાં પાટીદારો ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. આ પ્રકરણમાં સીટની રચના કરાયા પછીય આ વિવાદ શમ્યો નથી. આ મુદ્દે સરકારે ભારે બદનામી વ્હોરવાનો વારો આવ્યો છે. હકીકતમાં ચર્ચા એવી છેકે, લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે. પાટીદાર દિકરીને ન્યાય અપાવવા લડનાર કોંગ્રેસ તો માત્ર રાજકીય મહોરૂં જ છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતિ સર્જાઇ છે.

App Store

પત્ર સાચો છે તેવો FSLનો રિપોર્ટ કોંગ્રેસ નેતાઓને કોણે પહોચાડ્યોં? સૌરાષ્ટ્રના ત્રણ નેતા વિપક્ષની ભૂમિકામાં

પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય આપો તેવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાં દેખાવો-વિરોધ પ્રદર્શન થઇ ચૂક્યાં છે. હજુય આ મુદ્દો સળગતો રહ્યો છે. અત્યારે કોંગ્રેસમાં મેદાનમાં તો ઉતરી છે ત્યારે આખાય ખેલ પાછળ અસંતુષ્ટો દોરીસંચાર કરી રહ્યાં છે. ચર્ચા છે કે, ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરૂદ્ધ વાયરલ થયેલાં પત્ર સાચો છે તે FSLનો રિપોર્ટ કોંગ્રેસના નેતાઓ સુધી કેવી રીતે પહોંચ્યો? કોંગ્રેસના નેતાઓને આ જાણકારી કોણે આપી?

કોંગ્રેસના નેતાઓને ભાજપની રજેરજની માહિતી કોણ પહોંચાડે છે? કોંગ્રેસના બંધને અંદરખાને કોણ સમર્થન આપી રહ્યુ છે તે સવાલ ઉઠ્યો છે. કૌશિક વેકરિયા પોલીસ પાસેથી હપ્તા લે છે એવા અન્ય આરોપો સાબિત કરવા ખુદ ભાજપના અસંતુષ્ટો મેદાને પડ્યાં છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી છે. પાયલ ગોટીના બહાને પાટીદારોને સરકાર સામે મેદાને ઉતારી અસંતુષ્ટો રાજકીય બદલો લેવા સક્રિય બન્યાં છે. લેટરકાંડને પગલે સરકાર એટલી હદે હચમચી ઉઠી છે કે, સીટની રચના કરવી પડી છે. નિર્લિપ્ત રાયને તપાસ સોંપવી પડી છે. એક સરપંચ અને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા પડ્યાં છે. આમ છતાંય પાટીદારોને સંતોષ નથી.

સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યુ છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડેમેજતકંટ્રોલ કરવામાં ઉણી ઉતરી છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યાં સુધી સરકાર અને પક્ષને બદનામી વ્હોરવી પડે તેમ માટે અસંતુષ્ટોએ આખોય રાજકીય કારસો રચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, લેટરકાંડ ધારાસભ્ય કૌશિક વેકરિયા લઇ ડૂબશે. મંત્રીમંડળના વિસ્તરણ થશે તો વેકરિયાને નાયબ દંડક પદ ગુમાવવું પડે તો નવાઇ નહીં.

આ પણ વાંચો: ભાજપના કદ્દાવર નેતાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કર્યું પોલિટિકલ એન્કાઉન્ટર? નેતાજીના પુત્રપ્રેમની કમલમ સુધી ભારે ચર્ચા

પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કોના ઇશારે કઢાયું હતું

અમરેલી લેટરકાંડમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી છે. મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં, જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં તેવા કાયદાથી ખાખી વર્દી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. આમ છતાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે એવા સવાલ ઉઠ્યાં કે આ બધુ ગાંધીનગરના ઇશારે થયું કે પછી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને રાજી રાખવા પોલીસે આ કરતૂત કર્યું? તે રહસ્ય ઉજાગર થઇ શક્યુ નથી.