Ahmedabadમાં પાણીની પાઈપલાઈન તૂટી, આસપાસના ફ્લેટોમાં પાંચમાં માળ સુધી પાણીનો ફુવારો ઉડ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના રામોલ-હાથીજણ વોર્ડમાં તંત્રની ભારે બેદરકારીના કારણે એક મોટી ઘટના બની છે. કરોડો રૂપિયાના ખર્ચે છ માસ પહેલાં જ બનાવેલા RCC રોડ પર પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતાં પાણીનો ફુવારો આશરે પાંચ માળ જેટલો ઊંચો ઉડ્યો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
ઘટના ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલા શ્રી મણિકણિકેશ્ર્વર મહાદેવથી સદગુરુ બંગ્લોઝ જતા માર્ગ પર, ખાસ કરીને રાજ રેસિડેન્સીના ગેટ સામે બની હતી. થોડા સમય પહેલાં ગટર લાઇનનું લિકેજ શોધવા માટે AMC દ્વારા આ રોડ ખોદવામાં આવ્યો હતો. ગટરનું કામ પૂરું થયા બાદ પાણીની લાઇન પાસે ખોદવામાં આવેલો ખાડો બેદરકારીપૂર્વક એમ જ છોડી દેવાયો હતો. આજે સવારે જ્યારે પાઇપલાઇનમાં ભારે પ્રેશરથી પાણી છોડવામાં આવ્યું, ત્યારે નબળી પડેલી લાઇન તૂટી ગઈ, અને પાણીનો ફુવારો આસપાસના ફ્લેટોના પાંચમા માળ સુધી પહોંચ્યો.
આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન AMCની કાર્યપ્રણાલી પર ઊભો થયો છે, કારણ કે છ મહિના પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે અહીં RCC રોડ બનાવીને તૈયાર કરવામાં આવ્યો હતો. પાણીના આ પ્રચંડ ફુવારાથી રાજ રેસિડેન્સીની બાજુમાં નિર્માણાધીન મહાદેવ સ્કાયના બેઝમેન્ટમાં પણ પાણી ફરી વળ્યું હતું. દોઢ કલાકથી પાણી ના ઉડતા ફુવારોને બંધ કરવા Amc તંત્ર ના પાણી વિભાગ ના કોઈ અધિકારી કે કર્મચારીઓ સ્થળ પર ફરક્યા પણ નહતા.

