VIDEO: અમદાવાદના પોશ વિસ્તારમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર પર તસ્કરોએ કર્યો હાથ સાફ, CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના
સોર્સ : gstv
અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં જાહેર પાર્કિંગમાંથી લક્ઝરી મર્સિડીઝ કાર ચોરાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માનસી ચાર રસ્તા નજીક નલંદા કોમ્પ્લેક્સ પાસે આવેલા કોર્નાક ટાવરની પાછળ પાર્ક કરેલી મર્સિડીઝ કાર પર તસ્કરોએ હાથ સાફ કર્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં બે અજાણ્યા શખ્સો કારની ચોરી કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ મામલે 41 વર્ષીય વેપારી પ્રશાંત વિશ્વનાથ નાયરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, 11 મેની સવારે જ્યારે તેઓ પોતાની કાર લેવા પાર્કિંગમાં ગયા ત્યારે વાહન ગુમ હોવાનું જણાયું હતું. વસ્ત્રાપુર પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

