VIDEO: અમદાવાદમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે..અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. અમદાવાદમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફુંકાયા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. તોફાની પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અમદાવાદમાં 10થી વધુ સ્થળે વૃક્ષ પડવાની ઘટના બની હતી. વસ્ત્રાપુર ક્રોસિંગથી પ્રહલાદનગર રોડ પર 2 વૃક્ષ ધરાશાયી થયા હતા. તો જોધપુરથી ઇસરો જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયા હતા.પાચા તળાવ નજીક પણ વૃક્ષ પડવાની ઘટના બની હતી. રાયપુર,આંબાવાડી,નહેરૂનગરમાં વરસાદ પડયો હતો..તો શિવરંજની, એસ.જી.હાઈવે સહિતના ભાગોમાં રાત્રે વરસાદ વરસ્યો હતો. બોપલ, ઈસ્કોન, વૈષ્ણોદેવી સર્કલ પાસે રાત્રે સારો એવો વરસાદ પડયો હતો. ખાસ કરીને પશ્ચિમનાં વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. આ વરસાદથી શહેરીજનોને ભારે ગરમીમાંથી રાહત મળી હતી.

