Video: નિકોલમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાને લઈ AMC તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેને લઈ AMC તંત્ર નિકોલ વિસ્તારના રોડ-રસ્તાના સમારકામની શરૂઆત કરી નાખી છે. નિકોલ રોડ પર પીએમ મોદીના બેનરો લગાવવામાં આવ્યા છે. પીએમ મોદી નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરવાના છે. જ્યાંથી પીએમ 2,801 કરોડ રૂપિયાના કુલ 13 પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે. પીએમના આગમન સમયે વરસાદની આગાહીને લઈ વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યો છે. જેથી વરસાદી પાણી સભામાં ન ઘુસે.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વડાપ્રધાન આવવાના હોવાથી એએમસી તંત્ર કામે લાગ્યું છે. પીએમ બે દિવસ ગુજરાતમાં રોકાવાના છે અને વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. વિકાસ કાર્યોને આગળ ધપાવવા હોવાથી તંત્ર પણ તૈયારીમાં લાગી ગયું છે. આ સિવાય અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પીએમની મહત્ત્વની સભા યોજાવાની હોવાથી તંત્ર કોઈ કચાશ છોડવા માગતું નથી. જેથી નિકોલમાં જતા-આવતા તમામ રોડ-રસ્તા, ગટર, શેરી લાઈટસ તમામ કામો તંત્રએ હાથમાં લઈ લીધા છે. વડાપ્રધાન નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધવાના છે. અહીંથી પીએમ કરોડો રુપિયાના વિકાસ કાર્યો શરૂ કરાવશે. જેથી ઠક્કરનગર, નિકોલ, દસક્રોઈ વિધાનસભાને ફાયદો કરાવશે. પીએમની સભામાં વરસાદ વિઘ્ન ન બને તે માટે જર્મન સ્ટાઈલમાં વોટર પ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

