VIDEO: હરિભક્ત ગણાવી મંદિરોમાં ઠગાઈ આચરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
VIDEO: એક ગુનેગાર જે પોતાને હરિભક્ત ગણાવતો, રાજ્યના અલગ અલગ સ્વામિનારાયણ મંદિરનો સંપર્ક કરતો, પોતાની માનતા પૂરી થઈ હોવાથી સોનું ચઢાવવાનું કહીને બોગસ ચેક આપી દાગીના લઈને રફુચક્કર થઈ જતો, જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ એવા ઠગની ધરપકડ કરી છે, આ પ્રકારની ઠગાઈ કરવા પાછળનું કારણ પોલીસે જાણ્યું તો પોલીસ પણ દંગ રહી ગઈ.
મળતી માહિતી અનુસાર, દાગીના લઈ જનાર આરોપી શખ્સનું નામ શૈલેષ ઉંધાડ છે, આ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે. આ શખ્સે 20મી ડિસેમ્બરના રોજ વાસણામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીને પોતાની ઓળખ સુરતથી ગોપાલભાઈ તરીકેની આપી ફોન કર્યો હતો. આરોપીએ પોતાની દીકરીને એમબીબીએસમાં સરકારી કૉલેજમાં એડમિશન મળ્યું છે અને તેણે ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે તેવું કહી જો મંદિરમાં સોનું પડ્યું હોય તો તેની સામે ચેકથી પેમેન્ટ આપી દઈશ તેવો વિશ્વાસ અપાવી 21મી ડિસેમ્બરના રોજ વાસણા મંદિરે આવ્યો હતો અને મંદિરના સ્વામી પાસેથી ભગવાનને ચઢાવવા માટે સોનાનો હાર તેમજ બુટ્ટી મેળવી હતી. જેની સામે તેણે 6.51 લાખનો બેન્કનો ચેક આપ્યો હતો, બાદમાં તે હાર પત્નીને બતાવવા જવું છે તેવું કહી મંદિરના પરિસરમાંથી બહાર નીકળીને ભાગી ગયો હતો. આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં મંદિરના કોઠારી અમરતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ગુનામાં સામે આરોપી શૈલેષ ઉંધાડની ધરપકડ કરી છે, આરોપી પાસેથી સોનાના હાર અને બુટ્ટી અને ગુનામાં વપરાયેલ સ્કૂટર કબ્જે કરવામાં આવ્યું છે. આરોપીની તપાસમાં સામે આવ્યો કે તેને કિડનીની બીમારી હોવાથી દર બીજા દિવસે ડાયાલિસીસ કરવાની જરૂર પડે છે અને તેનું હૃદય પણ 50% કામ કરે છે જેથી પોતાની સારવારનો ખર્ચ નીકાળવા માટે તેણે આ પ્રકારે ગુનાહિત કૃત્ય કરવાનું શરૂ કર્યું હતું, જે કામમાં તેણે પોતાના અન્ય એક મિત્ર કલ્પેશ વોરાની પણ મદદ લીધી હતી. આરોપી ગૂગલ પરથી મંદિરના નંબરો મેળવતો અને સંપર્ક કરતો અને કલ્પેશ વોરા મંદિરોમાં આપવા માટેના ચેકની વ્યવસ્થા કરતો હતો. બંને આરોપીઓ રાજકોટના જેતપુરના રહેવાસી છે અને લાંબા સમયથી આ પ્રકારના ગુના આચારે છે.
પકડાયેલા આરોપી શૈલેષ સામે ભૂતકાળમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, ભૂજ, વડોદરા, જુનાગઢ, મહેસાણા એમ અલગ અલગ શહેરોમાં કુલ 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ગુનામાં સામેલ આરોપીઓ રાજ્યના અલગ અલગ સ્વામિનારાયણ મંદિરમાં જઈને હરિભક્તો હોવાનું ડોળ કરી બહાના બતાવી કીમતી દાગીના મેળવી ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા, તેવામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

