VIDEO: પૂણેમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલની મેનેજમેન્ટની 3 સભ્યોની ટીમ અમદાવાદ પહોંચી
VIDEO: અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને 10 દિવસ બાદ પૂણેમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલની મેનેજમેન્ટની ટીમ અમદાવાદ પહોંચી છે. જ્યાં એજ્યુકેશન ડાયરેક્ટર સહિત ત્રણ સભ્યોની ટીમ ડીઈઓ કચેરીએ પહોંચી હતી. જ્યાં ડીઈઓએ શાળાની એનઓસી રદ કેમ ન કરવી તેનો ખુલાસો આપવા નોટિસ આપી હતી. વેસ્ટર્ન ટીમ આ આખી ઘટનાથી વાફેક ન હોવાનું ડીઈઓએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળાની ઘોર બેદરકારી હોઈ શાળાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત જવાબદાર સામે કાર્યવાહી કર્યા બાદ તેમના લેટરપેડ ઉપર જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. DEO કચેરી બાદ સેવન્થ-ડે વેસ્ટર્ન મેનેજમેન્ટની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ પહોંચી હોવાનું ડીઈઓએ જણાવ્યું હતું.
શું હતી આખી ઘટના?
અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો.
આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. જે બાદ આખો મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો.

