VIDEO: વટવામાં યુવકની હત્યા કરનાર બે ભાઈઓ પકડાયા, મુખ્ય આરોપી અગાઉ મર્ડર કેસમાં ભોગવી ચૂક્યો છે સજા
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ત્રિકમપુરા ચાર માળિયામાં મકાનના કબજા અને ભાડાની અદાવતમાં 25 વર્ષીય યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જૂની અદાવતમાં ચાર સગા ભાઈઓએ ભેગા મળી અજીતસિંહ ચૌહાણ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા તેના બે મિત્રો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મુખ્ય આરોપી સહિત બે પકડાયા
ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ આરોપીઓ ગીતા મંદિર વિસ્તારમાંથી બહારગામ જવાની તૈયારીમાં હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી મુખ્ય આરોપી હિતેશ અને તેના ભાઈ રવિને ઝડપી લીધા હતા. જ્યારે અક્ષય અને ધર્મેશ સોલંકી નામના બે આરોપીઓ હજુ ફરાર છે. બંનેને ઝડપી પાડવા LCB અને ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી હિતેશ અગાઉ પણ હત્યા કેસમાં દોષિત ઠરી ચૂક્યો છે. ત્રિકમપુરા ચાર માળિયામાં જ મિતેષ નામના યુવકને ધાબા પરથી ફેંકીને હત્યા કરવાના કેસમાં કોર્ટે હિતેશને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, ડિસેમ્બર 2025થી તે જામીન પર બહાર આવ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ ફરી એક વખત હત્યાના ગુનામાં તેની સંડોવણી સામે આવી છે.
ફરાર આરોપીઓને પકડવા તજવીજ
હાલ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર અક્ષય તથા ધર્મેશને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ હત્યા પાછળના અન્ય કારણો અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

