VIDEO: અમદાવાદમાં વરસાદ વચ્ચે ત્રણ બ્લેક આઇબીસ પક્ષીને બચાવાયા, સાપનું પણ કરાયું રેસ્ક્યૂ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અતિ ભારે વરસાદ અને તેજ પવનના કારણે અનેક પક્ષીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક ઘટના રાણીપ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં બની હતી, જ્યાં ઝાડ પરથી ત્રણ બ્લેક આઇબીસ (Black Ibis) પક્ષીઓ નીચે પડી ગયા હતા. સતત વરસાદ અને પવનના કારણે તેઓ ઊડી શકતા નહોતા અને જીવલેણ પરિસ્થિતિમાં ફસાઈ જતા એનીમલ લાઈફ કેરના વિજય ડાભીએ રેસ્ક્યુ કર્યું હતું. જેમાંથી બે બ્લેક આઇબીસ પક્ષીઓની તબિયત અત્યંત નાજુક હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું. લાંબા સમય સુધી વરસાદમાં ભીના રહેવા અને ઝાડ પરથી નીચે પડવાના કારણે તેઓ ખૂબ જ નબળા પડી ગયા હતા. જે બાદ તેઓને તાત્કાલિક એનિમલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
જયારે બીજી એક ઘટનામાં ગુજરાત વિદ્યાપીઠના હોસ્ટેલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે અંદાજે 4 ફૂટ લાંબો સાપ દેખાતા વિદ્યાર્થીઓમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે વિદ્યાર્થીઓએ સમજદારી દાખવી સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તાત્કાલિક એનિમલ લાઇફ કેરનો સંપર્ક કર્યો હતો.
જાણ મળતા જ એનિમલ લાઇફ કેરના રેસ્ક્યુર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાવચેતી તથા કુશળતાપૂર્વક સાપનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. તપાસ દરમિયાન સાપની ઓળખ ચેકર્ડ કિલબેક તરીકે કરવામાં આવી હતી, જે સંપૂર્ણપણે બિનઝેરી સાપ છે અને સામાન્ય રીતે પાણીની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. રેસ્ક્યુ બાદ સાપને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

