Ahmedabad: સુભાષબ્રિજ બંધ થતા હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવાનો આદેશ
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજ પર પડેલી તિરાડો અને સ્પાન બેસી જવાની ગંભીર ઘટના બાદ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વાડજ સર્કલ ખાતે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે અને વાહનચાલકો ટ્રાફિક જામથી પરેશાન છે. જેનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક ખુદ વાડજ સર્કલ ખાતે પહોંચ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા તથા તેના નિરાકરણ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
24 કલાકમાં અડચણો દૂર કરવા આદેશ
અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. માલિકે ટ્રાફિક સમસ્યા અંગે જણાવ્યું હતું કે, 'સુભાષબ્રિજ બંધ થયા પછી ટ્રાફિકના ઈશ્યુ વધ્યા છે, જેમાં વાડજ સર્કલ નજીક સૌથી વધુ મશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે બ્રિજનું નિરીક્ષણ કરીને ત્યાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી છે કે રોડને સાંકડો કરનારા જે થોડા રેસ્ટિક્શન રાખ્યા છે, તેને 24 કલાકની અંદર હટાવી લેવામાં આવે જેથી રોડ થોડો પહોળો થઈ જશે અને ટ્રાફિક હળવો થશે.'
વધારાનું પોલીસબળ મેદાનમાં
ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અંગે પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું કે, 'જૂના વડજ બ્રિજની આસપાસ જે બેરીકેડ અને પતરાં લગાડ્યા છે અને જેનું કામ પૂરું થઈ ગયું છે, તે પતરાંને પણ 24 કલાકની અંદર હટાવી લેવામાં આવશે, જેથી ટ્રાફિક ઇઝી જઈ શકે. વચ્ચે રાખેલા બેરીકેડ પણ દૂર કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે, તેઓ રેગ્યુલર પોલીસ સ્ટેશનમાંથી 250 પોલીસકર્મીને આજે જ ટ્રાફિક માટે ઓર્ડર કરવાના છે. 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાંથી અમુક પોલીસ સ્ટેશનોને ઓર્ડર આપવામાં આવશે, જેની લિસ્ટ તૈયાર થઈ ગઈ છે, અને આ 250 લોકો માત્ર આટલા એરિયાની અંદર જ તહેનાત થશે.'
લોકોની સુરક્ષા સર્વોપરી
બ્રિજ બંધ રહેવા અંગે પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું કે,'આ વધારાના પોલીસ કર્મચારીઓની હાજરીથી ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન આવશે અને સમસ્યા થોડી ઓછી થશે. સુભાષબ્રિજ કેટલા દિવસ બંધ રહેશે તે અંગે સ્પષ્ટ સમય કહી શકાય નહીં. લોકોની સેફટી સૌથી અગત્યની છે, અને બ્રિજ બંધ રહેવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી થયો છે. જેથી તેઓ આ અંગે કોઈ સમય મર્યાદા કહી શકશે નહીં.

