VIDEO: લાઈફ મિશન યુથ ટીમ દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે લાઈફ મિશન યુથ ટીમ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ અસંખ્ય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે રક્તદાન શિબિર સહિતના સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના આ યુગમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવી અને સંસ્કારોનું સિંચન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માબાપ બાળકને સાચો રસ્તો બતાવે છે, પરંતુ જીવનમાં સાચો માર્ગ ચીંધનાર ગુરુનું સ્થાન સર્વોપરી છે. પથ્થરમાંથી સુંદર મૂર્તિ કંડારવાની જેમ ગુરુ પણ શિષ્યના જીવનને ઘડીને તેને શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રદાન કરે છે. આ પ્રસંગે સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

