VIDEO: નરોડામાં સ્પામાં નોકરી કરતા કર્મીની હત્યા, રેડ પડાવી હોવાની શંકામાં આરોપીઓએ ચોથા માળેથી ફેંકી દીધો
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નાના ચિલોડા-દહેગામ રોડ પર આવેલ ક્રિષા સ્પામાં નોકરી કરતા દશરથ મીણાની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગતરોજ ઓઢવ પોલીસે એવન લોટસ સ્પામાં દરોડા પાડ્યા હતા, જેના કારણે ક્રિષા સ્પાના માલિક જનક શુક્લાએ એવન લોટસ સ્પાના સંચાલક વિરલ રાઠોડને ફોન કરીને પોતાના સ્પાના કામદારોને લઈ જવા અંગે ઠપકો આપ્યો હતો અને 'મારા ત્યાં કામ કર્યા માણસો લઈ જઈશ તો આમ રેડ પડતી રહેશે' તેમ કહ્યું હતું
આ વાતથી ઓઢવના સ્પા સંચાલક વિરલ રાઠોડને શંકા ગઈ કે ક્રિષા સ્પાના માલિકે જ તેના ત્યાં પોલીસ રેડ કરાવી છે. આ અદાવતના કારણે રાત્રે 8 વાગ્યે વિરલ રાઠોડ ક્રિષા સ્પા પર આવીને ઝઘડો કરીને ગયો હતો, અને ત્યારબાદ રાત્રે 12:30 વાગ્યાના સુમારે 5 અજાણ્યા શખ્સોએ સ્પામાં ઘૂસી આવીને દશરથ મીણાને માર માર્યો હતો અને ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મારામારી અને હત્યાની ઘટના સ્પામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નરોડા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમોને કામે લગાડી છે.

