VIDEO: અમદાવાદમાં આકાશી આફત, રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ, અનેક જગ્યાએ ટ્રાફિક જામમાં વાહનચાલકો પરેશાન
અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ચોમેર પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને પગલે શહેરની સુંદરતા ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર પણ ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી છે.
સુરક્ષાના ભાગરૂપે રિવરફ્રન્ટ રોડ બંધ કરાયો
રિવરફ્રન્ટ રોડ પર પાણીનો ભરાવો વધતાં તંત્ર દ્વારા સુરક્ષાના આગોતરા પગલાં રૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમાલપુર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતો રિવરફ્રન્ટનો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં આ રૂટ પર વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. સતત વરસેલા વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેથી વાહનચાલકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે પોલીસ અને તંત્ર દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન
ભારે વરસાદના કારણે માત્ર રિવરફ્રન્ટ જ નહીં, પરંતુ શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ મોટા પાયે પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે. રિવરફ્રન્ટ બંધ થતાં અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી છે. માર્ગો બંધ થવાને કારણે શહેરના મુખ્ય એપ્રોચ રોડ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે. મુસાફરોને અગવડતાથી બચવા અને સુરક્ષિત રહેવા માટે બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
શ્યામલ ચાર રસ્તાથી લઈને છેક પ્રહલાદ નગર સુધી સમગ્ર રોડ ઉપર પાણી ભરાતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સ્કૂલો છુટતાં બાળકોને લેવા પહોંચેલા વાલીઓ પણ ભારે વરસાદમાં ફસાયા હતા. ગોતા, પકવા અને ઈસ્કોન પાસે ટ્રાફિક જામમાં લોકો અટવાયા છે. થલતેજ અંડરપાસ પાસે વાહનચાલકો અટવાયા છે. બ્રિજ પાસેના રસ્તા પાણીમાં ગરકાવ થતાં લોકો હેરાન પરેશાન થયા છે. ગોતાથી લઈને વાયએમસીએ સુધીના રસ્તા પર ઠેરઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. શ્યામલ ચારરસ્તાથી લઈને છેક પ્રહલાદનગર ચાર રસ્તા સુધી ઢીંચણ સમા પાણીને લીધે અનેક વાહનચાલકો ફસાયા છે.

