VIDEO: અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર ટ્રાફિક ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ફસાયો
અમદાવાદ શહેરમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર જળભરાવ અને વાહનોની ભારે અવરજવરને કારણે ઠેર-ઠેર ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ અભૂતપૂર્વ ટ્રાફિક જામની અસરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ બચી શક્યો ન હતો. 7 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદથી બોપલમાં સ્થિતિ વણસી છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે, અંડરબ્રિજો બંધ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે
મળતી માહિતી મુજબ, શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોન્વોય પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એસજી હાઈવે ઉપર આવેલા પેલેડિયમ મોલ નજીક ભારે વાહનવ્યવહાર અને રસ્તા પર ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક થંભી ગયો હતો. આ જામમાં મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે અટવાઈ ગયો હતો.
ટ્રાફિક પોલીસની તાત્કાલિક કાર્યવાહી
મુખ્યમંત્રીનો કાફલો ટ્રાફિકમાં ફસાયો હોવાની જાણ થતાં જ ઘટનાસ્થળે અને રૂટ પર તૈનાત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પગલાં ભર્યા હતા. પેલેડિયમ મોલ પાસે બંધ રાખવામાં આવતો રોડનો 'કટ' પોલીસે તાત્કાલિક ધોરણે ખોલી નાખ્યો હતો. આ કટ મારફતે રસ્તો ક્લિયર કરીને મુખ્યમંત્રીના કાફલાને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં 5 કલાક પડેલા ભારે વરસાદને પગલે અંડરબ્રિજો બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે.

