Ahmedabad/ નારોલમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની કરાયેલી હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પાર્લર ચલાવતા રજીયાબાનું સૈયદ નામની મહિલા પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ દાણીલીમડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને મઝર ઉર્ફે કસાઈ કુરેશી અને આઝાદ શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ હુમલા પાછળનું કારણ ચોંકાવનારું સામે આવ્યું છે.
હત્યાનો બદલો લેવા હુમલો
પોલીસે આપેલી માહિતી મુજબ આ હુમલો અંગત અદાવત અને હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. હકીકતમાં, ઈજાગ્રસ્ત મહિલા રજીયાબાનુંના દીકરા ઈઝુબઅલી ઉર્ફે લલ્લા સૈયદએ વર્ષ 2024 માં આરોપી મઝર કુરેશીના ભાઈ ઝુબેર કુરેશીની હત્યા નીપજાવી હતી.
આ કેસમાં આરોપી મઝર કુરેશી પેરોલ પર બહાર આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મઝર સમાધાન માટે ધમકી આપતો હતો. સાથે જ, ઈજાગ્રસ્ત મહિલા પણ સમાધાન માટે ધમકી આપતી હતી. આ અંગત અદાવતમાં ઉશ્કેરાઈને, હત્યાનો બદલો હત્યાથી લેવાના ઈરાદે બંને આરોપીઓએ સાથે મળીને પાર્લરમાં સામાન એકઠો કરી રહેલી રજીયાબાનું સૈયદ પર તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારીને હુમલો કર્યો હતો.
આરોપી મઝર સામે ભૂતકાળમાં 6 ગુના નોંધાયેલા છે
પોલીસે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે સમાધાન માટે ધમકી ખરેખર આપવામાં આવી હતી કે પછી આરોપી દ્વારા આ વાત ઉપજાવી કાઢવામાં આવી છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગુનાના મુખ્ય આરોપી મઝર કુરેશી સામે ભૂતકાળમાં હત્યા સહિતના 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

