Ahmedabad/ સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, તો બ્રિજ અચાનક વચ્ચેથી કેમ બેસી ગયો? વિપક્ષનો આક્ષેપ
અમદાવાદ શહેરનો મહત્ત્વપૂર્ણ સુભાષ બ્રિજ અચાનક વચ્ચેથી બેસી જવાની ઘટનાએ AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિપક્ષી નેતાઓએ આ મામલે AMC પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે લોકો પણ બ્રિજ બંધ થવાથી હાલાકી ભોગવી રહ્યા છે.
વિપક્ષનો આક્ષેપ
સુભાષ બ્રિજની મુલાકાત લીધા બાદ વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણએ AMCની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, સરકાર અને હાઈકોર્ટના આદેશ બાદ જો AMC દ્વારા નિયમ મુજબ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોય, તો બ્રિજ અચાનક વચ્ચેથી કેમ બેસી ગયો? તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લું જ ઇન્સ્પેક્શન થાય છે અને ઇન્સ્પેક્શનના નામે પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી છે. નિયમ મુજબ બ્રિજનું ડિટેલમાં ઇન્સ્પેક્શન થવું જોઈએ તેવી તેમની માંગણી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન: 'બે-ત્રણ દિવસમાં રિપોર્ટ બાદ નિર્ણય'
આ સમગ્ર વિવાદ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે બ્રિજ અંગે હાલમાં ચકાસણી ચાલી રહી છે. બે-ત્રણ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બ્રિજ કેટલા સમય સુધી બંધ રહેશે, તે અંગે નિર્ણય લઈ શકાશે. સાથે જ, તેમણે અગાઉ કઈ રીતે ઇન્સ્પેક્શન કરાયું હતું, તેની પણ ચકાસણી કરવાની વાત કરી હતી. તેમણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરવાની ખાતરી પણ આપી છે.
લોકોની હાલાકી અને રોષ
બ્રિજ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોને બ્રિજ બંધ કરાયાની જાણ ન હોવાથી તેઓ અટવાયા હતા. વાહનચાલકોના મતે, બ્રિજ બનાવતી વખતે જ પૂરતી તકેદારી રાખવી જરૂરી હતી. લોકોએ બ્રિજ બનતા સમય અને શક્તિનો વ્યય થયો હોવાની નારાજગી પણ વ્યક્ત કરી હતી
વિઝ્યુઅલ ઇન્સ્પેક્શ કરાયું હતું-વિપક્ષ
વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન માત્ર "વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન" કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. તેમના મતે, હેમરિંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ જેવા કોઈ ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. જો આવા ટેસ્ટ કરાયા હોત, તો બ્રિજની આ હાલત ન થઈ હોત. વિપક્ષે તમામ 82 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. નાગરિકોમાં પણ અસંતોષ છે કે શું વાસ્તવિક ટેક્નિકલ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં. ઇન્સ્પેક્શન માટે ચોરસ મીટર દીઠ 120 રૂપિયાના ખર્ચે ચાર કંપનીઓ એક જ ભાવમાં કામ કરવા તૈયાર હતી, જે પ્રક્રિયાની પારદર્શકતા પર શંકા ઉભી કરે છે.
AMCનું રટણ: 'રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે'
જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને આ સમગ્ર ઘટના અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ વિપક્ષના આક્ષેપો કે જૂના ઇન્સ્પેક્શન રિપોર્ટની પારદર્શકતા મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. તેમનું સતત એક જ રટણ રહ્યું કે, "રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે." આજે શુક્રવારે, તેમણે જણાવ્યું હતું કે હાલ પાંચ દિવસ માટે બ્રિજ બંધ કરાયો છે, પરંતુ રિપોર્ટના તારણ બાદ વધુ સમય માટે બંધ રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે.
બ્રિજ બંધ થતાં ગઈકાલે ગુરુવારે જ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ મુદ્દે પોલીસ કમિશ્નર જી. એસ. માલિકે સ્થળ મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સુભાષ બ્રિજની નીચેનો રિવરફ્રન્ટનો રસ્તો પણ બંધ કરાતા લોકોને બેવડી હાલાકી પડી રહી છે. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને નગરજનોને તકલીફ ન પડે તે માટે એડિશનલ ટ્રાફિક ફોર્સ તૈનાત કરાશે.
2024નો સ્ટ્રક્ચર્સ રિપોર્ટ- સુભાષ બ્રિજની દિવાલોમાં તિરાડોનો ઉલ્લેખ?
AMCના સૂત્રો મુજબ, માર્ચ 2025 પછી 16 બ્રિજ અને બે ફૂટ ઓવરબ્રિજ માટે ડિસ્ટ્રક્ટિવ અને નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ સહિત વિગતવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. જોકે, સુભાષ બ્રિજ આ વિગતવાર ટેસ્ટ થયેલા પુલોની યાદીમાં સામેલ હતો કે કેમ, તે અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. એક રિપોર્ટ મુજબ, 2024માં 69 સ્ટ્રક્ચર્સના પ્રારંભિક રિપોર્ટના આધારે જાળવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં 'સુભાષ બ્રિજ' પણ દિવાલોમાં તિરાડો ધરાવતા પુલોની યાદીમાં સામેલ હતો.
બેદરકારીનું પુનરાવર્તન? રિપોર્ટ જાહેર કરે AMC
વિશાલા બ્રિજનું ઉદાહરણ તાજું છે, જેને 15 મહિનાના સમારકામ બાદ ફરીથી હેવી વાહનો માટે બંધ કરવો પડ્યો હતો. હવે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનાએ સવાલ ઉભો કર્યો છે કે શું આ અમદાવાદના બ્રિજોની જાળવણીમાં થઈ રહેલી વહીવટી અને ટેકનિકલ બેદરકારીનું પ્રતિબિંબ તો નથી ને? નગરજનો અને વિપક્ષની માંગ છે કે કોર્પોરેશન તાત્કાલિક તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરે અને બ્રિજની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
ઉલ્લેખનીય છે કે વડોદરાની ગંભીરા બ્રિજની ઘટના બાદ AMC કમિશનરે 15 વર્ષથી વધુ જૂના તમામ પુલોના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો આદેશ આપ્યો હતો, જેમાં સુભાષ બ્રિજનો પણ સમાવેશ થતો હતો.

