VIDEO: Ahmedabad/ સાબરમતી સેન્ટ્રલ જેલનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો, મુખ્ય ગેટ પાસેથી પોલીસને થાપ આપી કેદી ફરાર
અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. મૂળ પોરબંદરનો એક આરોપી જેલ પોલીસ તથા સ્ટાફને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના મુખ્ય ગેટ પાસેથી જ પોલીસને થાપ આપીને આરોપી ફરાર થઈ ગયો છે. આરોપીઓની ગણતરી દરમ્યાન જેલ સ્ટાફને ખ્યાલ આવ્યો કે એક આરોપી ઓછો છે. સમગ્ર મામલે સાબરમતી જેલના જેલરે રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ દિવસ અગાઉ પોસ્કોના ગુનાનો આરોપી થયો હતો ફરાર
વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. વાડજ પોલીસે પોસ્કોના ગુનામાં સંડોવાયેલા 'ભરત' નામના આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ આરોપીને મેડિકલ કરાવીને પરત લાવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આ ઘટના બની હતી. ગાડીમાંથી ઉતારતી વખતે તક મળતા જ આરોપી ભરત પોલીસની સમયસૂચકતા અને પકડમાંથી છૂટીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

