VIDEO: ગુજરાતમાં વરસાદી સિસ્ટમો સક્રિય, આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી; સૌરાષ્ટ્ર-કચ્છમાં 26% ઘટ
Gujarat Weather Update: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 680.18 મિ.મી. વરસાદ નોંધાયો છે, જેના પરિણામે રાજ્યમાં સામાન્ય કરતાં હજુ પણ 2% વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. જો કે, ચિંતાનો વિષય એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની ખેંચ હજુ પણ યથાવત્ છે, જ્યાં નોંધપાત્ર 26% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે.
આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યની આસપાસ કેટલીક સિસ્ટમો સક્રિય છે જેના લીધે આગામી 7 દિવસ માટે વરસાદની સંભાવના રહેશે. આ સિસ્ટમોમાં એક ડિપ્રેશન છે, જે અત્યારે પણ ઉત્તર ઝારખંડમાં બનેલું છે અને બીજું એક મોન્સૂન ટ્રફ છે જે ફિરોઝપુર તથા કરનાલ થઈને આ ડિપ્રેશન તરફ જઈ રહ્યું છે. ત્રીજી એક ટ્રફ રેખા મધ્ય પ્રદેશથી દક્ષિણ ગુજરાત તરફ પસાર થઈ રહી છે અને ચોથી સિસ્ટમ તરીકે રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. આ તમામ સક્રિય સિસ્ટમોને પગલે રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 74.84% વરસાદ નોંધાયો
રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 680.18 મિમી એટલે કે સરેરાશ 74.84% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રાદેશિક સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આકાશી મહેર વરસતાં સિઝનનો 102.57% વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે કચ્છમાં માત્ર 29.25% જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક એટલે કે 18 ઑગસ્ટના સવારે 6 વાગ્યાથી 19 ઑગસ્ટના સવારે 6 વાગ્યા દરમિયાન તાપીના નિઝારમાં સૌથી વધુ 11 મિ.મી. અને ડાંગના વઘઈમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના 18 તાલુકાઓમાં હળવા છાંટા પડ્યા હતા. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી 20 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક આદેશ સાથેની ચેતવણી આપવામાં આવી છે.
નર્મદા ડેમ 88% ભરાયો, 41 ડેમ ‘હાઇ ઍલર્ટ’ પર
મેઘરાજાની કૃપાથી રાજ્યની જળ સંપત્તિની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 88.31% ભરાઈ ચૂક્યો છે. તે સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 65.86% જળસંગ્રહ થયો છે, જેમાં 27 જળાશયો 100% ભરાઈ જતાં છલકાયા છે અને 41 ડેમોને 'હાઇ ઍલર્ટ' પર છે.
અમદાવાદ નજીક રાચરડા ગામમાં જમીન ખરીદીના નામે 50 વર્ષીય અશોકભાઈ વાસાણી સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. 2023માં 24 કરોડમાં 6744 ચોરસ મીટર જમીનનો સોદો કરી, આરોપીઓએ 18.50 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે, ભાવ વધતા દસ્તાવેજ કરવાનો ઇનકાર કરી, નાણાં પરત ન આપવાની ધમકી આપી. આ મામલે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

