Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rain system active again in Gujarat, red alert of heavy rain in 8 districts including Ahmedabad

ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
સોર્સ : gstv

ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. હવામાન વિભાગે આગામી 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતાને લઈને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

App Store

ગુજરાતમાં 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ

31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે આગામી 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બુધવારે(29 જુલાઈ) ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે સૂચના આપી છે.

હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના

ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતાં નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સામાન્ય નાગરિક સુધી કોઈપણ પ્રકારની વોર્નિંગ અને આપત્તિના મેસેજ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મોટાભાગે કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી તેમના રક્ષણ માટે એક્સ્ટ્રા કેર લેવાશે. તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટરો સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.