Ahmedabad: ધોળકા તાલુકામાં વરસાદી આફત: નર્મદા કેનાલ ઓવરફ્લો થતા વાહન ચાલકો અટવાયા
ધોળકા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સવારથી જ વરસાદ શરુ થઇ ગયો છે. ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વરસાદથી રસ્તાઓ ઠેર-ઠેર પાણીથી ભરાઈ ગયા છે અને ઢીંચણ સમા પાણીના કારણે જીવન અસહ્ય બની ગયું છે.
ધોળકા-સરખેજ હાઇવે પર ચલોડા, બદરખા અને ભાત ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા છે. ઘણા વાહનો પાણીમાં ફસાઈ જતા ચાલકોએ ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર થયા છે, જેનાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ, ધોળકાના રાજપુર-જલાલપુર ગામથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે, જેથી આસપાસના ખેતરો પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે. નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદને કારણે કેનાલ ઓવરફ્લો થઇ રહી છે. જેથી ગાંધીનગર ખાતે સિંચાઈ માટે પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવા જાણ કરવામાં આવી છે.
આ પરિસ્થિતિમાં સ્થાનિકો અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે, જેમને પાકના નુકસાનની ભીતિ સતાવે છે. પ્રશાસન દ્વારા રેસ્ક્યૂ અને રાહત કામગીરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદનું સત્તાવાર સર્વે અને નુકસાનીનો અંદાજ હજી સુધી સામે આવ્યો નથી.

