VIDEO: કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં નવો વળાંક, સિંગરે વીડિયોમાં કરી ચોંકાવનારી સ્પષ્ટતા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ નજીક જાણીતી ગાયિકા કિંજલ રબારીનું કાળા રંગની કારમાં કથિત અપહરણ થયું હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, સીસીટીવી (CCTV) ફૂટેજની પ્રાથમિક તપાસમાં કિંજલ કોઈપણ બળજબરી વિના સ્વેચ્છાએ કારમાં બેસતી દેખાતાં આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હોવાની આશંકા ચાંદખેડા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, આ અપહરણ થયું હોવાના દાવા અંગે કિંજલની પ્રતિક્રિયા સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, કિંજલ રબારીએ થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. કિંજલના પતિએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખસોએ તેને પાછળથી પકડી રાખીને કિંજલનું અપહરણ કર્યું હતું. જોકે, પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે મહેસાણા તરફના શંકાસ્પદ શખસોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
પોલીસે હાથ ધરી તપાસ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, 'મને કિંજલ રબારીના અપહરણ અંગેનો મેસેજ મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. દંપતી મૂળ રાધનપુર બાજુનું રહેવાસી છે અને સીબીડી મોલમાં ફિલ્મ જોવા આવ્યું હતું. મોલમાંથી નીચે ઉતર્યા ત્યારે એક કાળી કાર આવી હતી જેમાં કિંજલ જતી રહી હતી.'
પોલીસ તપાસ શરૂ
પીઆઈએ વધુમાં ઉમેર્યું કે, 'પતિનો દાવો છે કે તેને પાછળથી પકડી રાખવામાં આવ્યો હતો અને કિંજલને લઈ ગયા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં કોઈ બળજબરી થતી હોય તેવું દેખાતું નથી. કિંજલ પોતાની મેળે જ ગાડીમાં બેસી જતી હોવાનું જણાય છે, જેથી આ સમગ્ર બાબત પૂર્વઆયોજિત હોવાની પૂરી શક્યતા છે. કાર લઈને આવેલા શખસો મૂળ મહેસાણા તરફના છે અને તેમની ઓળખ છતી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સીસીટીવી તપાસ અને ફરિયાદ નોંધવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.'
કિંજલ રબારીની પ્રતિક્રિયા
અમદાવાદના ચાંદખેડા વિસ્તાર સ્થિત CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાના દાવા અંગે કિંજલની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે જણાવ્યું છે કે, 'હું કિંજલ દેસાઈ, અશોક ચૌધરીની પત્ની છું. મે અશોક ચૌધરી સાથે બીજી મે,2024ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મે મારા પરિવારને મનાવવાનો ખુબ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર ન માનતા આખરે મે સ્વેચ્છાએ પતિ અશોકને ફોન કરીને બોલાવ્યો હતા અને 10મી માર્ચ, 2024ના રોજ અમે સાથે ગયા હતા. આ દરમિયાન મને પિયર પક્ષના લોકોએ મારા પતિ સાથે મારપીટ કરી હતી અને તેને બળજબરીથી પિયર લઈ ગયા હતા. પિયરમાં મને પરાણે રાખવામાં આવી હતી અને ત્યાં મારા જીવને જોખમ હતો. પિયરમાં જીવનું જોખમ જણાતાં મે ફરી મારા પતિનો સંપર્ક કર્યો હતો અને છઠ્ઠી સપ્ટેમ્બર, 2026ના રોજ તે પોતાની મરજીથી પતિ પાસે પરત આવી ગઈ છે. અહીંયા હું સેફ છું અને હું એમની સાથે જ છું. તો વિનંતી કરું છું કે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ કરવી નહીં.'

