VIDEO: ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ; સંઘવી કરશે રથયાત્રા રૂટનું નિરિક્ષણ, મેગા ફ્લેગ માર્ચનું આયોજન
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે. વિશેષ પૂજા-અર્ચના બાદ પરંપરા મુજબ ભગવાનની આંખે કેસરી રંગના ઉપરણાથી પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. માન્યતા મુજબ મોસાળમાં કેરી, જાંબુ, માવા અને વિવિધ મીઠાઈનો પ્રસાદ આરોગ્યા બાદ ભગવાનને આરામ આપવા માટે આ વિધિ કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાનના પાટા ખોલવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવશે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે
આજે મેગા ફ્લેગ માર્ચનું આયોજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:30 વાગ્યે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ફ્લેગ માર્ચનો પ્રારંભ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ પોતાની સુરક્ષા વ્યવસ્થાનું શક્તિ પ્રદર્શન કરશે. ફ્લેગ માર્ચમાં પોલીસના વિવિધ દળો, SRP અને અન્ય સુરક્ષા ટીમો જોડાશે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે માટે નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ પણ આપવામાં આવશે.
ભવ્ય ભંડારાનું આયોજન
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્ણ થયા બાદ આજે ભગવાન મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે. ભંડારા માટે 7 હજાર લીટર દૂધપાક, 3 હજાર કિલો બટાકાનું શાક, 2 હજાર કિલો ચણા, 1200 કિલો ભાત, 1500 કિલો લોટની પુરી, 4 હજાર લીટર કઢી અને 400 કિલો ભજીયાની વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે સેવા અને પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
દૂર દૂરથી સંતો અમદાવાદ આવશે
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2500થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવવાના શરૂ થઈ ગયા છે.
આવતીકાલે સોનાવેશના દર્શન
સમગ્ર રથયાત્રા દરમિયાન 45000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેરણા પ્રસાદમાં અપાશે. આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરાશે. સવારે 9:30ના ધ્વજારોહણ કરાશે.
બુધવારે સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે. સવારે 10:30ના મંદિર પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ જ્યારે સવારે 11 વાગે ગજરાજોની પૂજા કરાશે. સાંજે 6:30ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા-આરતીમાં ભાગ લેશે. સાંજે 8 વાગે મહાઆરતી થશે.

