ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ વિવાદ વચ્ચે 14 કરોડથી વધુની ગ્રાન્ટ પરત કરી

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને સર્જાયેલા ભારે વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીને મળેલી વિવિધ ગ્રાન્ટની કરોડો રૂપિયાની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપો અને વિવાદ વચ્ચે પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ 14 કરોડ રૂપિયાથી વધુની રકમ યુનિવર્સિટીમાં પરત જમા કરાવી દીધી છે.
અંગત ખાતામાં ગ્રાન્ટ જમા થતાં સર્જાયો હતો વિવાદ
મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) અને ‘બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ’ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. આ બંને પ્રોજેક્ટ હેઠળ આવેલી ગ્રાન્ટની રકમ નિરજા ગુપ્તાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો હતો.
કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નિરજા ગુપ્તા આ બંને મહત્વના પ્રોજેક્ટમાં 'પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર' તરીકે સક્રિય રહ્યા હતા. જોકે, વિવાદ વકરતાં અને નિવૃત્ત જજની કમિટી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી હોવાના પગલે, તેણે 14 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરવા સાથે PMJVK અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

