ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલની મોડસ્ ઑપરૅન્ડી, ફ્રી નિદાન કેમ્પના નામે ચાલે છે ગોરખધંધો અને પછી...

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કાંડ સામે આવી રહ્યાં છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના રૂપાલ અને દસક્રોઇમાં ફ્રી નિદાન કેમ્પના નામે હોસ્પિટલમાં લાવીને એન્જિયોપ્લાસ્ટી બાદ દર્દીના મોતની ઘટના સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલની કેવી રીતે ચાલે છે મોડસ્ ઑપરૅન્ડી તેના વિશે જાણીયે...
ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલની મોડસ્ ઑપરૅન્ડી
- ફ્રી નિદાન કેમ્પના નામે ગામમાં પહોચે છે ડૉક્ટર
- ચેકઅપ કરીને આધારકાર્ડ તેમજ PMJAY કાર્ડ તૈયાર રાખવા જણાવવામાં આવે છે
- બીજા દિવસે ખ્યાતિ હોસ્પિટલમાંથી બસ આવીને દર્દીઓને લઇ જાય છે
- હોસ્પિટલમાં દર્દીઓની કોઇ પણ જાણ વગર જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે
દોઢ વર્ષ પહેલા ફ્રી હેલ્થ કેમ્પના નામે કર્યું કૌભાંડ
ધોળકાના રૂપાલ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પગના દુખાવાની સમસ્યા માટે ગયેલા લોકોને સ્ટેન્ટ મુક્યા હતા. કોઇ સમસ્યા ન હોવા છતા દર્દીને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ મુક્યા બાદ દર્દીઓને સમસ્યા વધી હતી. આ ઘટનામાં રૂપાલના મોહમ્મદ ડોસાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઢીંચણમાં દુખાવાની સમસ્યા છતાં હોસ્પિટલ દ્વારા સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. ઓપરેશનના છથી સાત દિવસમાં જ દર્દીનું નિધન થયું હતું. ખ્યાતિ હોસ્પિટલે મફત સારવારના નામે નિર્દોષના જીવ લઇ લીધા હતા. PMJAY કાર્ડમાંથી પણ 1 લાખ 28 હજાર રૂપિયા કપાઇ ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ/ 'તમારા મમ્મીની ત્રણ નળી બ્લોક છે મરી જશે', ખ્યાતિ હોસ્પિટલે મહિલાને પગમાં સોજાની સમસ્યા સામે સ્ટેન્ટ મુકી દીધુ
બીજી તરફ દસ્ક્રોઇ તાલુકાના મહિજડા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રી હેલ્થ કેમ્પના નામે આ ગામમાંથી 25 લોકોને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને નસો બ્લોક હોવાનું કહીને તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન નટવરસિંહ ચૌહાણ નામના દર્દીનું મોત થયું હતું. સ્વસ્થ નટવરસિંહને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો તેમના દીકરાએ આક્ષેપ કર્યો છે. ખોટુ બોલીને ખ્યાતિ હોસ્પિટલમાં લઇ ગયા હોવાનું પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે.

