અમદાવાદ/ 'તમારા મમ્મીની ત્રણ નળી બ્લોક છે મરી જશે', ખ્યાતિ હોસ્પિટલે મહિલાને પગમાં સોજાની સમસ્યા સામે સ્ટેન્ટ મુકી દીધુ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં છે. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. અમદાવાદના રૂપાલના જીવાપુરા ગામની મહિલાને પગમાં સોજાની સમસ્યા હતી તેની સામે હોસ્પિટલે સ્ટેન્ટ મુકી દેતા વિવાદ થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે,કડીના બામોસણા ગામમાં ફ્રી નિદાન કેમ્પના નામે દર્દીઓને ભેગા કરી અમદાવાદમાં ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લાવીને પરિવારજનોને જાણ કર્યા વગર જ સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 2 દર્દીના મોત થયા હતા.
મહિલાના પગ કામ કરતા બંધ થયા
ખ્યાતિ હોસ્પિટલના પાપે જીવાપુરા ગામની મહિલા ફાતિમા વોરાના આંસુ રોકાતા નથી. ફાતિમા વોરાને પગમાં સોજાની સમસ્યા હતી છતાં હોસ્પિટલે સ્ટેન્ટ મુકી દીધુ હતું. હદયની કોઇ સમસ્યા નહતી છતાં મહિલાનું ઓપરેશન કરી નાખ્યું હતું.
જીવાપુરા ગામના મહિલા ફાતિમા વોરાને પગમાં સોજાની સમસ્યા આવતા ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલે તરત જ મહિલાને દાખલ કરી દીધા હતા અને પગની સમસ્યાની તપાસ વગર જ બીજા દિવસે હદયનું ઓપરેશન કરી નાખ્યું હતું. મહિલા ઓપરેશનની ના પાડતા હતા પણ તેમના દીકરા જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે હોસ્પિટલના તંત્રએ કહ્યું કે, "તમારા મમ્મીની ત્રણ નળીઓ બ્લોક છે અને મરી જશે". તે બાદ હોસ્પિટલે પરાણે મહિલાના દીકરાઓ પાસે સહી કરાવી લીધી હતી.
ખ્યાતિ હોસ્પિટલે પગની સમસ્યાનું કોઇ નિદાન પણ કર્યું નહતું.ખોટા ઓપરેશનને કારણે ફાતિમા વોરા હવે રોજના કામ કરવા પણ સક્ષમ નથી. ઓપરેશનના નામે હોસ્પિટલે 1 લાખ 35 હજાર રૂપિયા ખંખેર્યા હતા.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક 'મોતનો ખેલ': બજાણાના આધેડને પરાણે સ્ટેન્ટ મૂક્યો, 11 દિવસની સારવાર બાદ જીવ ખોયો
ક્યા સુધી પહોંચી તપાસ?
ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બે દર્દીના મોતની ઘટનામાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી પોલીસ રીમાન્ડ પર છે. કાર્તિક પટેલ સહિત પાંચ સામે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સંજય પટોલિયા-ચિરાગ રાજપુત-રાજશ્રી કોઠારી દુર્ઘટના બાદ પોલીસની પકડથી દૂર છે.

