ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક 'મોતનો ખેલ': બજાણાના આધેડને પરાણે સ્ટેન્ટ મૂક્યો, 11 દિવસની સારવાર બાદ જીવ ખોયો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના પાટડી તાલુકાના બજાણા ગામના વતની અને કડીના વિનાયકપુરા સ્થાયી થયેલા ગણપતભાઈ વાળંદે વિનાયકપરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા નિ:શુલ્ક કેમ્પમાં ભાગ લીધો હતો.
ડોક્ટરોએ ગણપતભાઈની હૃદયની એક નળી બ્લોક હોવાનું કહી ઓપરેશનની સલાહ આપી
ડોક્ટરોએ ગણપતભાઈની હૃદયની એક નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરવાની સલાહ આપી હતી. તેમના પત્નીએ ઓપરેશન કરવાની ના પાડી ત્યારે તબીબોએ પીએમજેએવાય કાર્ડ અંતર્ગત સારવારમાં કોઈ ચાર્જ નહીં લાગે તેમ સમજાવીને એન્જીયોપ્લાસ્ટીનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે ઓપરેશન બાદ તબિયત લથડતા 11 દિવસની સારવારમાં ગણપતભાઈએ દમ તોડ્યો હતો.
આ પણ વાંચો: ખાનગી હોસ્પિટલોનો 'મોતનો' ખેલ! સરકારથી લાખો રૂપિયા સેરવી લેવાના અને નફો અડધો અડધ
ખ્યાતિ હોસ્પિટલના આયોજીત નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ભાગ લીધો
ખ્યાતિ હોસ્પિટલના આયોજીત નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને આરોગ્યનું ચેકઅપ કરાવ્યું હતું. જેમાં હાજર તબિબ દ્વારા ગણપતભાઈ સહિત 7થી 8 લોકો જેઓ પીએમજેએવાય કાર્ડ ધરાવે છે તેમને વધુ તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલ આવવાનું જણાવ્યું હતું. ગણપતભાઈ અને તેમના પત્ની અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે તપાસ અને સારવાર માટે ગયા હતા.
એક નળી બ્લોક છે તેમ કહી ઓપરેશન કર્યું
તપાસ બાદ ડોક્ટરોએ ગણપતભાઈના શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવીને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આ મામલે તેમની પત્નીએ ના પાડી હતી. ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ પીએમ જેએવાય કાર્ડ હેઠળ ઓપરેશનનો કે સારવારનો કોઈપણ ચાર્જ કે ફી નહીં લાગે તેમ સમજાવતા એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી.
આધેડની તબિયત લથડતાં ખ્યાતિ હોસ્પિટલે સરકારી હોસ્પિટલમાં કર્યા રેફર
ગણપતભાઈની તબીયત વધુ લથડતાં ફરજ પરના તબીબોએ સારવાર અર્થે અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવાનું જણાવ્યું હતું. ગણપતભાઈના પરિવારજનોએ તેમને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે દરમ્યાન સરકારી હોસ્પિટલનાતબીબોએ તપાસ કરતા એ સામે આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ ગણપતભાઈને અયોગ્ય ઓપરેશન તેમજ સારવાર કરીને શરીરને વધુ નુકસાન પહોંચાડ્યું હતું. આથી તેમના પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. જોકે પોલીસે કોઈપણ કાર્યવાહી કે તપાસ કરવાની પણ તસ્દી ન લીધી હોવાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ આધેડ ગણપતભાઈનું 11 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.
ગણપતભાઈનું 11 દિવસની સારવાર બાદ મોત
પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલ, સંચાલકો અને તબીબોએ પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે પીએમજેએવાય યોજના હેઠળ માત્ર સરકારી રૂપિયા પડાવવાની લાલચમાં ગણપતભાઈને ઓપરેશનની જરૂર નહીં હોવા છતાં ઓપરેશન કરીને મોત નીપજાવ્યું હતું.

