VIDEO: Ahmedabad / ધંધુકામાં યુવકની હત્યા બાદ રોષે ભરાયેલા 100થી વધુ લોકોના ટોળાએ મચાવી તોડફોડ
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભરવાડ યુવકની હત્યા બાદ વાતાવરણ ગરમાયું છે. ધર્મેશ ગમારા નામના યુવકની નિર્મમ હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ શહેરમાં ભારે તોડફોડ મચાવતા પોલીસ હરકતમાં આવી છે. આ મામલે ધંધુકા પોલીસ સ્ટેશનમાં 100થી 125 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધર્મેશ ગમારાને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હત્યાની ઘટનાના થોડા જ સમયમાં લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા અને આક્રોશમાં આવીને તોડફોડ શરૂ કરી હતી. લાકડાના ફટકા અને અન્ય ઘાતક હથિયારો સાથે સજ્જ આ ટોળું એટલું બેકાબૂ બન્યું હતું કે જે રસ્તામાં આવ્યું તેને નિશાન બનાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, હિંસક બનેલા આ ટોળાએ અનેક દુકાનો, ગેરેજ અને હોટલોમાં તોડફોડ કરી હતી. ખાણીપીણીની લારીઓ ઉંધી વાળી દીધી હતી અને રસ્તા પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. આ સમગ્ર તોડફોડની ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલાએ પોતે ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો છે. પોલીસે 100થી 125 અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે. હાલ આ મામલે પોલીસે વધુ તપસ હાથ ધરી છે.

