VIDEO: ગુજરાતમાં મેઘતાંડવ: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, આગામી 6 દિવસ ભારે વરસાદની ચેતવણી
Gujarat Rain : અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારી ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમના અનેક વિસ્તારો જેવા કે અમરાઈવાડી, રામોલ, વટવા, જુહાપુરા, સરખેજ, ગોતા, ચાંદલોડિયા, નરોડા અને બાપુનગરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે અને વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી: 9 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ આકાશી આફત દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં માત્ર થોડા જ સમયગાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. મુસળધાર વરસાદના કારણે ઉમરપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
નવસારીમાં કરંટ લાગતાં દુઃખદ ઘટના
વરસાદી આફત વચ્ચે નવસારીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા વિસ્તારમાં કરંટ ફેલાતાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનીક તંત્ર અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સુરતના અંબિકામાં 20, નવસારીના વાંસદા 14, તાપીના ડોલવણમાં 14 ઇંચ ધોધમાર વરસાદ
ચોમાસાની વર્તમાન ઋતુમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ 31 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના અંબિકામાં સૌથી વધુ 20 ઈંચથી વધુ આફતનો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 15 ઈંચ, નવસારીના વાંસદામાં 14 ઈંચ, ખેડાના વાસોમાં 12.52 ઈંચ અને નડિયાદમાં 10.94 ઈંચ મૂશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. સ્થાનિક નદી-નાળાઓમાં પૂરની પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા SDRF અને રેસ્ક્યૂ ટીમોને સજ્જ રાખીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત પર આગામી 6 દિવસ મેઘતાંડવનો ખતરો, અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ ઍલર્ટની ચેતવણી
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સહિત એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતાં આગામી 6 ઑગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ભયાનક ધોધમાર વરસાદની પૂરેપૂરી શક્યતા છે. સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી 1 ઑગસ્ટે અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ અને રાજકોટમાં 'રેડ ઍલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદનો ધાક વર્તાશે. આ ઉપરાંત 2 ઑગસ્ટે કચ્છ અને ઉત્તર-સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ભારે પવન અને તોફાની વાતાવરણને પગલે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક આદેશાત્મક સૂચના અપાઈ છે.
અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ
અમદાવાદમાં આજે સવારે ધોધમાર વરસાદ પડ્યા બાદ અને બપોરે મેઘરાજાએ વિરામ લીધા બાદ મોડી સાંજે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના મકરબા, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘૂમા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ: સુરતના અંબિકામાં 11.46 ઈંચ પાણી ખાબક્યું
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની આ આફતરૂપી બેટિંગ વચ્ચે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં માત્ર 12 કલાકમાં 11.46 ઈંચ (291 mm) મુશળધાર વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ભરૂચના નેત્રંગમાં 11.02 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 10.00 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માંગરોળ, વાંસદા અને ખેડાના વાસો તાલુકામાં પણ 9 ઈંચથી વધુ ભારે વરસાદ પડ્યો છે. સાર્વત્રિક ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની સ્થાનિક નદી-નાળા છલકાતાં વહીવટી તંત્રે SDRFની ટીમોને એલર્ટ રાખી નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની એડવાઈઝરી જારી કરી છે.
વલસાડમાં અતિભારે વરસાદથી રેડ એલર્ટ: ઔરંગા નદી બે કાંઠે, 800થી વધુ લોકોનું સ્થળાંતર
વલસાડ જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં ભાગડાખુર્દ, લીલાપોર અને કાશ્મીર નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી 800થી વધુ લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે. છેલ્લા 12 કલાકમાં ધરમપુરમાં સૌથી વધુ 198 મિ.મી. અને વલસાડમાં 121 મિ.મી. વરસાદ નોંધાયો છે. જળબંબાકારની સ્થિતિને લીધે 123 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. કલેક્ટરે લોકોને અતિ આવશ્યક કામ સિવાય બહાર ન નીકળવા અને નદી-નાળા નજીક ન જવા અપીલ કરી છે.
સુખી ડેમના ગેટ ખોલાયા: નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
છોટાઉદેપુરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુખી જળાશય ડેમમાં પાણીની આવક વધતાં જળસપાટી 146.48 મીટરે પહોંચી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમનો ગેટ નંબર 5 ને 30 સે.મી. ખોલીને નદીમાં આશરે 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાવાના પગલે વહીવટી તંત્રે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને નદી કિનારે અવરજવર ન કરવાની ખાસ અપીલ કરી છે.
ડાંગ : મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક અને સુબીર તાલુકામાં પડેલા મુશળધાર વરસાદના કારણે અંતરિયાળ ગામ મહાલ ખાતે આવેલી 'એકલવ્ય મોડેલ સ્કૂલ'ના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રે અગમચેતીના પગલારૂપે શાળાના તમામ 311 વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની માધ્યમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડ્યા છે. મામલતદાર, પોલીસ ટીમ, શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનોના સંયુક્ત સહયોગથી આ રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને સ્થળાંતરિત વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી છે અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી દીધી છે.
બોડેલીમાં ભારે વરસાદથી જળબંબાકાર: ફસાયેલા 27 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ, નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને દિવાન ફળિયા અને રજાનગર જેવા નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ SDM, મામલતદાર, બોડેલી નગરપાલિકા અને NDRF ની ટીમે સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. NDRF ની ટીમે પાણીમાં ફસાયેલા તમામ 27 લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. હાલ બોડેલીમાં તંત્ર અને NDRF ની ટીમો સતત એલર્ટ મોડ પર છે, જ્યારે વહીવટી તંત્રે લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને આપાતકાલીન સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.
પંચમહાલ : ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આખરે મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી જ અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાના કારણે શહેરીજનો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા, પરંતુ બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગોધરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ સર્વત્ર મેઘમહેર થતાં અને વરસાદી માહોલ જામતાં પંથકના ખેડૂતોમાં પણ ભારે ખુશીની લહેર ફરી વળી છે.
પંચમહાલ : ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઈંચ ખાબક્યો, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
રાજ્યમાં આજે મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે તાંડવ મચાવ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર 10 કલાકમાં ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. નેત્રંગમાં દિવસ દરમિયાન કુલ 10.55 ઈંચ (268 મીમી) વરસાદ નોંધાયો છે, જેમાં બપોરે 2 થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકમાં 4.45 ઈંચ (113 મીમી) તીવ્ર વરસાદ તૂટી પડ્યો હતો. આ સિવાય નેત્રંગમાં સવારે 6 થી 8 માં 21 મીમી, 8 થી 10 માં 70 મીમી, 10 થી 12 માં 24 મીમી અને બપોરે 12 થી 2 દરમિયાન 40 મીમી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ તોફાની બેટિંગ જોવા મળી છે. સુરતના ઉમરપાડામાં સવારે 8 થી 12 વાગ્યાના 4 કલાકમાં જ પૂર જેવી સ્થિતિ સાથે કુલ 9.72 ઈંચ (247 મીમી) અને અંબિકા/બારડોલી વિસ્તારમાં બપોરે 12 થી 4 વચ્ચે 200 મીમીથી વધુ વરસાદ સાથે કુલ 9.69 ઈંચ (246 મીમી) વરસાદ ખાબક્યો છે. ખેડા જિલ્લાના વાસોમાં સવારે 8 થી 10 વચ્ચે 124 મીમી સહિત કુલ 9.53 ઈંચ (242 મીમી) તથા નડિયાદમાં 7.91 ઈંચ (201 મીમી) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગના સુબીરમાં 8.23 ઈંચ (209 મીમી) અને નર્મદાના સાગબારા તથા ગરૂડેશ્વરમાં સવારના પ્રથમ બે કલાકમાં જ 118-118 મીમી તીવ્ર વરસાદ પડ્યો હતો.
આણંદ, નવસારી, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લા સહિત રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં 4 થી 7 ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. સતત ખાબકેલા મુસળધાર વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં સ્થાનિક રહીશોને સતર્ક રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીના પગલે GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
રાજ્યમાં સર્જાયેલી સાર્વત્રિક વરસાદી પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઉમેદવારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પશુ ચિકિત્સા અધિકારી, નર્સિંગ ઓફિસર, મદદનીશ ઈજનેર તેમજ ગુજરાત શિક્ષણ સેવા સહિત કુલ 34 જેટલી વિવિધ વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતીઓ માટે તા. 1 ઓગસ્ટ 2026, શનિવારના રોજ યોજાનારી પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ) હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. GPSC ના નાયબ સચિવ દ્વારા ગાંધીનગરથી જારી કરાયેલી અધિકૃત સૂચના મુજબ, આ તમામ 34 જાહેરાતોની મોકૂફ રખાયેલી પ્રાથમિક પરીક્ષા હવે નવી તારીખ એટલે કે તા. 9 ઓગસ્ટ 2026, રવિવારના રોજ સવારે 11:00 થી 12:00 કલાક દરમિયાન યોજવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.ભારે વરસાદની આગાહીના પગલે GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
સરસપુર વોરા રોઝા ચાર રસ્તા પાસે ગંભીર ટ્રાફિક જામ
સરસપુરના વોરા રોઝા ચાર રસ્તા નજીક વરસાદી માહોલ વચ્ચે ભારે ટ્રાફિક જામની વિકટ સ્થિતિ સર્જાઈ હતી. આ ટ્રાફિકના ચક્કાજામમાં એક ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
સરસપુર વોરા રોઝા ચાર રસ્તા પાસે ગંભીર ટ્રાફિક જામ
SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ટ્રાફિક જામની સ્થિતિ
શહેરમાં વરસાદનું આગમન થતાં જ શહેરના મુખ્ય ધમધમતા એસ.જી. હાઈવે પર વાહનચાલકો અટવાયા છે. ધોધમાર વરસાદ શરુ થવાની સાથે જ વિઝિબિલિટી ઘટી જતાં અને રસ્તાઓ પર પાણી વહેવા લાગતાં વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. જેના કારણે હાઈવે પર જોતજોતામાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
શાહીબાગ માર્ગ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો
શાહીબાગ વિસ્તારમાં આવેલા એફ.એસ.એલ. ચાર રસ્તા પાસે મુશળધાર વરસાદને કારણે માર્ગો પર ભારે પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જળમગ્ન થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના ભરાવાના પરિણામે વાહનોની ગતિ થંભી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

