મકરબા ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી વ્યક્તિએ ટૂંકાવ્યું જીવન, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદ શહેરના નવનિર્મિત મકરબા રેલવે ઓવરબ્રિજ પરથી ગુરુવારે (01 ઓક્ટોબર) બપોરે એક વ્યક્તિએ છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિવાદિત મકરબા ઓવરબ્રિજ પરથી કૂદીને એક વ્યક્તિએ આપઘાત કર્યો
પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, ગુરુવારે બપોરે આશરે 3 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો દોર સંભાળ્યો હતો.
મળતી માહિતી મુજબ, મૃતક મકરબા વિસ્તારનો જ સ્થાનિક રહીશ હતો અને બ્રિજ નજીક આવેલી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. હાલમાં પોલીસે મૃતકની વિધિવત ઓળખ કરવા સહિતની દિશામાં તપાસ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયની રાહ જોયા બાદ તાજેતરમાં જ એટલે કે 24 સપ્ટેમ્બરે અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર એચ.સી.-24 ક્રોસિંગ નજીક રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મકરબા અને વેજલપુરને કોર્પોરેટ રોડ તથા એસ.જી. હાઈવે સાથે જોડતા આ બ્રિજના ઉદ્ઘાટનના એક જ અઠવાડિયામાં આ કરૂણ બનાવ બન્યો છે. જો કે, શરૂઆતથી જ કોર્પોરેટ રોડ તરફના છેડે સર્જાતા ભારે ટ્રાફિક જામના કારણે આ ઓવરબ્રિજ સતત વિવાદમાં રહ્યો છે.

