VIDEO: Ahmedabad / મટોડામાં પોલીસનો મોટો દરોડો; બે ગોડાઉનમાંથી ₹39 કરોડનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત, 2 ની ધરપકડ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફાયર સેફ્ટી અને પરવાના વગર ચાલી રહેલા ફટાકડાના ગોડાઉન પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. મોડાસર ગામ ચાર રસ્તાથી અમથાપુરા જવાના રસ્તા પર આવેલી 'અંબિકા ટ્રેડ લિન્ક' નામની ફટાકડા ફેક્ટરીમાંથી પોલીસે ફાયર એન.ઓ.સી. કે રિન્યુઅલ લાયસન્સ વગર રાખવામાં આવેલો 39.57 કરોડ રૂપિયાથી વધુનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.
પરવાનાની શરતોનું ઉલ્લંઘન અને ફાયર સેફ્ટીનો અભાવ
મળતી માહિતી અનુસાર, 'અંબિકા ટ્રેડ લિન્ક'ના બે ગોડાઉનમાં ફટાકડા વેચાણ અંગેનો પરવાનો સમયસર રિન્યૂ કરાવવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત સંચાલકોએ ફાયર વિભાગની એન.ઓ.સી. (NOC) મેળવ્યા વગર અને લોકોની જિંદગી જોખમાય તે રીતે પુરતા ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વિના જ ગોડાઉનમાં મોટો જથ્થો સંગ્રહિત કરી રાખ્યો હતો. આમ, પરવાનાની શરતોનું સીધું ઉલ્લંઘન કરી પોતાનો તથા અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી કુલ 39,57,90,000 રૂપિયા કિંમતનો ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી બે વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. પોલીસે પરવાના વગર ફટાકડાનો સંગ્રહ કરવા, ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

