VIDEO: અમદાવાદમાં 7 વર્ષથી ફરાર કરોડોની ઠગાઈનો મુખ્ય આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
અમદાવાદમાં સાત વર્ષથી નાસતા ફરતા કરોડો રૂપિયાની છેતરપિંડીના મુખ્ય આરોપી નીલેશ કોઠિયાને વાસણા પોલીસે મધ્યપ્રદેશના બૈતુલથી ઝડપી પાડ્યો છે. આરોપીએ નકલી દસ્તાવેજોના આધારે બેંક મેનેજરની મિલીભગતથી મિલકત પર બારોબાર લોન મેળવી પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની સામે કુલ સાત ગંભીર ગુના નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે વીસ જેટલી કંપનીઓ અને ક્રિપ્ટો કરન્સીનું મોટું નેટવર્ક ચલાવતો હતો. 'ટોશન' નામે સેમિકન્ડક્ટર કંપની બનાવી ક્રિપ્ટો કોઈન લોન્ચ કરવાના નામે તેણે અનેક રોકાણકારો સાથે ઠગાઈ આચરી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કાર, લેપટોપ અને મોબાઈલ જપ્ત કરવાની સાથે તેના બેંક ખાતામાં રહેલા વીસ લાખ રૂપિયા પણ ફ્રીઝ કરી દીધા છે. હાલ પોલીસ આ સમગ્ર નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ માટે વધુ તપાસ ચલાવી રહી છે.

