Ahmedabad/ 5 વર્ષમાં જ બ્રિજ હાંફી ગયો: ઈન્કમટેક્સ ઓવરબ્રિજના જોઈન્ટ એક્સપાન્સન તૂટ્યા; વાહનચાલકો જોખમે પસાર થવા મજબૂર

અમદાવાદ શહેરના માળખાગત સવલતોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુભાષબ્રિજની જોખમી હાલત બાદ હવે શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર પણ ભયના વાદળો મંડરાઈ રહ્યા છે. માત્ર 5 વર્ષ પહેલાં જ લોકાર્પિત થયેલા આ બ્રિજના જોઈન્ટ એક્સપાન્સન તૂટવાની ઘટના સામે આવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું છે મુખ્ય સમસ્યા?
બ્રિજ પરના બે રોડને જોડતા જોઈન્ટ એક્સપાન્સન ક્ષતિગ્રસ્ત થયા છે. આ ઓવરબ્રિજ માત્ર 5 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, છતાં આટલા ટૂંકા સમયમાં જોઈન્ટ તૂટી જતાં કામગીરીની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યું છે. બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનચાલકો માટે આ તૂટેલા જોઈન્ટ અકસ્માતનું કારણ બની શકે છે.
સુભાષબ્રિજ બાદ વધુ એક મોટો ખતરો
અમદાવાદમાં તાજેતરમાં જ સુભાષબ્રિજને જોખમી જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે હવે ઈન્કમટેક્સ બ્રિજની આ હાલતે તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. બે મુખ્ય રોડને જોડતો જોઈન્ટ ક્ષતિગ્રસ્ત થતા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
મરામતનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે પોતે ભોગવવો પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ બ્રિજ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રણજીત બિલ્ડકોન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં બ્રિજ DLP (ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ) માં હોવાથી, નિયમ મુજબ મરામતનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે પોતે ભોગવવો પડશે. તંત્ર દ્વારા બ્રિજની ગુણવત્તા જાળવવા આ નિર્ણય લેવાયો છે.

