VIDEO: ભાજપ મહિલા નેતાનો ગંભીર આક્ષેપ, ઇટાલીયાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જૂતું ફેંકવાની ખોટી ઘટના પ્રકાશમાં આણી
જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકવાની ઘટના મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મળતા અહેવાલ પ્રમાણે આ સમગ્ર મામલે ભાજપે આકરું નિવેદન આપ્યું છે.ભાજપે આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયામાં રહેવા માટેની પાર્ટી ગણાવી છે.
ઇટાલીયાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જૂતું ફેંકવાની ખોટી ઘટના પ્રકાશમાં આણી
ભાજપનો આક્ષેપ છે કે ઇટાલીયાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જૂતું ફેંકવાની ખોટી ઘટના પ્રકાશમાં આણી છે.આ અગાઉ ગોપાલ ઇટાલીયાએ તત્કાલીન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર પણ જૂતું ફેંક્યું હતું. ભાજપે ઇટાલીયાની વિચારધારાને ગુજરાતની તાસીર વિરુદ્ધ ગણાવી, જેમણે હિન્દુ દેવી-દેવતાઓનું પણ અપમાન કર્યું હતું.
'આપ' ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જુતું ફેંકાતાં ભારે હંગામો
જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં 'આપ'ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો હતો, અને તેને ઢિકાપાટુનો માર પણ માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

