વીજ વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, અમદાવાદ ગ્રામ્ય LCBએ ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ ગ્રામ્ય એલસીબી (LCB) પોલીસે મોટો સપાટો બોલાવ્યો છે. યુજીવીસીએલ (UGVCL)ના વીજ થાંભલાઓ પરથી 11 KV લાઈનના કિંમતી વાયરની ચોરી આચરતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 6.50 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયા
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયર ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા. જેને પગલે LCBની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ રીતે ફરી રહેલા 6 શખસોને અટકાવીને પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યા હતા અને વાયર ચોરીની વિગતો કબૂલી હતી.
પોલીસે આ ગેંગને ઝડપીને કોઠ અને ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વીજ વાયર ચોરીના 3 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 1080 મીટર એલ્યુમિનિયમ વાયર સહિત કુલ 6.50,127 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રામ્ય LCBએ તમામ આરોપીઓ વિરૂદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.

