VIDEO: અમદાવાદના પેલેડિયમ મોલમાં ચોરી કરનાર અંદરનો જ માણસ! 10 વર્ષમાં 13 ગુના આચરનાર સેલ્સમેનની કરતૂત જાણી ચોંકી જશો
અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના 'ઓરા ફાઇન જ્વેલરી' શોરૂમમાં થયેલી લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં જ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીએ સાથી સ્ટાફ પાસેથી ચાવી મેળવી રાત્રિના સમયે રૂ. 5.90 લાખના સોના-હીરાના ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આરોપી દર્શન સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'બેગ ભૂલી ગયો છું' કહી ચાવી મેળવી અને ચોરી કરી
સમગ્ર ઘટના 17 ઓગસ્ટ 2026ના રોજ બની હતી. મૂળ પાટણનો અને છેલ્લા 10 મહિનાથી ઓરા ફાઇન જ્વેલરી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો દર્શન અશ્વિનભાઈ સોની શોરૂમ બંધ થયા બાદ સાથી કર્મચારી પાસે ગયો હતો. તેણે ‘હું મારી બેગ અંદર ભૂલી ગયો છું’ તેવું બહાનું બનાવી શોરૂમની ચાવી મેળવી હતી. ત્યારબાદ તેણે રાત્રિના સુમારે મોલમાં પ્રવેશી શોરૂમ ખોલ્યો હતો અને ડિસ્પ્લે તથા સ્ટોકમાંથી સોના-ડાયમંડનું બ્રેસલેટ, ચેઇન અને મંગળસૂત્ર સહિત કુલ રૂ. 5,90,242 ની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ચોરીનો માલ માણેકચોકમાં વેચી મોજશોખ પૂરા કર્યા
ચોરી કર્યા બાદ દર્શન સોની સીધો માણેકચોક પહોંચ્યો હતો, જ્યાં તેણે ‘ભક્તિ ટચ’ નામની પેઢીમાં આ ચોરાયેલા દાગીના વેચી દીધા હતા. મળેલા રોકડ નાણાં તેણે પોતાના મોજશોખ પાછળ ઉડાવી દીધા હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. શોરૂમ સંચાલકોને ચોરીની જાણ થતાં તેમણે તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં દર્શન સોનીને ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે 10 વર્ષમાં 13 ગુના
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ધોરણ 12 પાસ દર્શન સોની રીઢો ગુનેગાર છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન તેની સામે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કુલ 13 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. પાટણ, ડીસા, નવસારી, ગાંધીનગર અને અમદાવાદ શહેરના વિવિધ પોલીસ મથકોમાં તેની સામે ચોપડે ગુના દર્જ છે. આરોપી વિરુદ્ધ અગાઉ વાહનચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન, અકસ્માત અને ચેઈન સ્નેચિંગ જેવા કેસો નોંધાયેલા છે. ભૂતકાળમાં તેની અસામાજિક પ્રવૃત્તિઓને પગલે પોલીસ તંત્ર દ્વારા તેની સામે ‘પાસા’ (PASA) હેઠળ પણ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરાયેલા મુદ્દામાલની રિકવરી તેમજ માણેકચોકના વેપારી સામે કાયદેસરની તપાસ તેજ કરી છે.

