Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indications of electrical fault in Ahmedabad plane crash

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સામે આવી ચોંકાવનારી વિગત, ઈલેક્ટ્રિક ખામી સર્જાઈ હોવાના મળ્યા સંકેત

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સામે આવી ચોંકાવનારી વિગત, ઈલેક્ટ્રિક ખામી સર્જાઈ હોવાના મળ્યા સંકેત
સોર્સ : Google

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. પ્લેન ક્રેશ ક્યા કારણથી થયું તેને લઈને સતત નવા ફણગા ફૂટી રહ્યા છે. હવે એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પ્લેનની ટેઇલ (પાછળનો ભાગ) આગમાં સળગી નહતી અને ઈલેક્ટ્રિક ખામી સર્જાઈ હોવાના સંકેત મળ્યા છે.

App Store

પ્લેનના પાછળનો ભાગ તપાસ માટે અત્યંત મહત્ત્વની કડી સમાન 

પ્લેન ક્રેશનું કારણ જાણવા અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ અમદાવાદમાં એરપોર્ટ પાસે એક ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે, જ્યાં ક્રેશ થયેલા વિમાનના કાટમાળના એક-એક ભાગની તપાસ થઈ રહી છે. આ તપાસમાં એવી પ્રાથમિક વિગત સામે આવી છે કે ક્રેશ થયેલા વિમાનના વીજળી પુરવઠામાં ખામી હતી. પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશે પણ કહ્યું હતું કે, "પ્લેન ક્રેશ પહેલા વીજળી વારંવાર ખોરવાતી હતી." આ બાબત વીજ પુરવઠામાં ખામી હોવાના સંકેત કરે છે.

ઉલ્લેખનીય છે કે, પ્લેન ક્રેશમાં વિમાનનો પાછળનો ભાગ બચી ગયો હતો અને ત્યાંથી કેબિન ક્રુ મેમ્બરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સીટબેલ્ટ સાથે જોડાયેલો હતો અને ટક્કરને કારણે મૃત્યુ થયું હતું. દુર્ઘટનાના 72 કલાક બાદ ફાયર બ્રિગેડની ટીમને આ મૃતદેહ મળ્યો હતો. જેનાથી એ વાત સ્પષ્ટ છે કે વિમાનના પાછળના ભાગમાં રાખવામાં આવેલી ચીજવસ્તુ સલામત હતી. અમદાવાદથી લંડનની ઉડાન ભરતા પહેલા આ ફ્લાઈટ દિલ્હીથી અમદાવાદ આવી હતી. આ દરમિયાન વિમાનના સ્ટેબ પીઓએસ એક્સડીસીઆરમાં ટેકનિકલ ખામી સામે આવી હતી અને તેનું અમદાવાદમાં સમારકામ કરાયું હતું. આ સાધન પ્લેનના પાછળના ભાગમાં જ હતું.

આ ઉપરાંત પ્લેનની ટેઇલમાં રહેલું ઓક્સિલરી પાવર યુનિટ પણ સલામત છે, જે એન્જિનને શરૂ કરવા અને પાવર બેકઅપ આપવામાં મદદ કરે છે. વિમાનના આ ભાગમાં ઈલેક્ટ્રિક આગના પણ સંકેત મળે છે. AAIBએ ક્રેશ થયેલા વિમાનના તમામ ભાગને સંભાળીને રાખ્યા છે અને ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. 

નિષ્ણાતો શું કહે છે?

એવિએશન એક્સપર્ટના મતે વીજળી પૂરવઠો ખોરવાઈ જવાને કારણે ફયુલ કટઓફ થયું હશે. સંભવતઃ પ્લેન ફરી શરૂ કરવાના પ્રયાસમાં પાયલટે ફ્યુલ ઓન-ઓફ કર્યું હશે. પરંતુ કટઓફ કર્યા બાદ તેમને રન કરવાની તક નહીં મળી હોય, જેનાથી પ્લેન ક્રેશ થયું હશે. ફ્યુલ કટ ઓફ અને રન કરવામાં માત્ર સેકન્ડનો સમય લાગ્યો હશે. આ સ્થિતિમાં જો કોઈ પાયલટે ભૂલથી ફ્યુલ કટઓફ કર્યું પણ હોત તો બીજા પાયલટ પાસે ફ્યુલ શરૂ કરવા પૂરતો સમય હતો. જે દર્શાવે છે કે, ફ્યુલ કટઓફ પ્લેન ક્રેશ માટે સંપૂર્ણ સત્ય નથી.