અમદાવાદના ખાડિયામાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી, ત્રણ લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના ખાડિયા ચાર રસ્તા પાસે એક મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ મકાનમાં કુલ ચાર લોકો રહેતા હતા. મકાન ધરાશાયી થવાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
ત્રણ લોકોનું રેસ્ક્યૂ
ફાયર વિભાગની ટીમે કાટમાળમાંથી ત્રણ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવી તેને શોધી કાઢવા અને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા સમગ્ર ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મકાન કયા કારણોસર ધરાશાય થયું અને રેસ્ક્યુ કરાયેલા લોકોની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

