VIDEO: અમદાવાદના ગોતા સર્વિસ રોડ પર હિટ એન્ડ રન, બે યુવકો ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
અમદાવાદના ગોતા સર્વિસ રોડ પર શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અજાણી સફેદ ફોર-વ્હીલ કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે હોટલ ખોડિયારથી જમીને ત્રણ યુવકો ઘરે પરત ફરી રહ્યા હતા. ગોતામાં કપડાની દુકાન ધરાવતા શૈલેષ વિમલ યાદવ તેમજ તેમની દુકાનમાં કામ કરતા બિપીન યાદવ અને શિવમ યાદવ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં બે યુવકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ સફેદ રંગની ફોર-વ્હીલ કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ફરાર કારચાલકને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે.

