VIDEO: અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં સાંજે અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદના સેટેલાઈટ, એસજી હાઈવે, બોપલ, આંબલી, થલતેજ, જમાલપુર-ખાડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે.
વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. ખાસ કરીને મુખ્ય માર્ગો અને જંકશન પર વાહનોની અવરજવર પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ, ગાજવીજ સાથે વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

