VIDEO: સુરતમાં આરોપીને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટે IPS નકુમ સામે લીધી સુઓમોટો સંજ્ઞાન
સુરતમાં નાગરાજન બાદ હવે સુરતમાં પોસ્ટેડ વધુ એક અધિકારીની મુશ્કેલીમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. સુરતમાં ફરજ બજાવતા IPS નકુમ સામે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના મામલે હાઇકોર્ટે આ કાર્યવાહી કરી છે. આ સમગ્ર મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેએ રાજ્યના ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આરોપીને જાહેરમાં માર મારવાની ઘટના સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન તેમજ રાજ્યના DGP દ્વારા જારી કરાયેલા પરિપત્રનો સરેઆમ ભંગ છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. આ કેસમાં રાજ્ય સરકાર, ગૃહ વિભાગના સેક્રેટરી, રાજ્ય પોલીસ વડા અને સુરત પોલીસ કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હવે કોર્ટની સુનાવણી દરમિયાન શું નિર્દેશ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે

