Ahmedabad: 14.52 લાખથી વધુ મતદારોની બાદબાકી, ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર

સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 23 ટકા જેટલા એટલે કે 14,52,816 મતદારોના ફોર્મ મૃત્યુ-ગેરહાજર-કાયમી ધોરણે સ્થળાંરિત અને અન્ય કારણોથી પરત જમા નહીં થયાનું સામે આવ્યું છે.
અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર ડ્રાફ્ટ મતદારયાદી જાહેર
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની તમામ ઈઆરઓ કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50થી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે. આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ અહી તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ પર ઓનલાઈન પણ દાવા-સુધારા રજૂ કરી શકશે તેમ કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લાની નવી ડ્રાફ્ટ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લાની વિવિધ બેઠકોના મતદારોના આંકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નવી યાદી મુજબ, મુખ્યમંત્રીની બેઠક ગણાતી ઘાટલોડિયા વિધાનસભામાં સૌથી વધુ મતદારો નોંધાયા છે, જ્યારે બાપુનગર વિધાનસભા બેઠક મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાની સાબિત થઈ છે.
સૌથી વધુ અને સૌથી ઓછા મતદારો
મતદાર યાદીના આંકડાકીય વિશ્લેષણ મુજબ અમદાવાદની બેઠકોની સ્થિતિ નીચે મુજબ છે. ઘાટલોડિયા વિધાનસભામાં જિલ્લાના સૌથી વધુ 3.65 લાખ મતદારો નોંધાયા છે. જ્યારે બાપુનગર વિધાનસભામાં જિલ્લાના સૌથી ઓછા 1.50 લાખ મતદારો નોંધાયા છે.
| વિધાનસભા બેઠક | મૃતક મતદારો | કાયમી સ્થળાંતર | કુલ મતદારો |
| વિરમગામ | 11,629 | 19,402 | 2,76,298 |
| સાણંદ | 10,998 | 16,805 | 2,67,250 |
| ઘાટલોડિયા | 12,656 | 57,712 | 3,65,177 |
| વેજલપુર | 18,161 | 69,149 | 3,16,338 |
| વટવા | 11,627 | 48,668 | 3,27,603 |
| એલિસબ્રિજ | 15,401 | 43,191 | 1,93,965 |
| નારણપુરા | 11,759 | 34,298 | 1,82,469 |
| નિકોલ | 10,361 | 56,746 | 1,94,554 |
| નરોડા | 13,910 | 52,845 | 2,24,417 |
| ઠક્કરબાપા નગર | 8075 | 54,008 | 1,74,353 |
| બાપુનગર | 11,110 | 33,310 | 1,50,097 |
| અમરાઈવાડી | 12,090 | 69,748 | 2,05,619 |
| દરિયાપુર | 12,913 | 26,938 | 1,57,156 |
| જમાલપુર-ખાડિયા | 10,565 | 19,163 | 1,64,484 |
| મણિનગર | 11,291 | 33,821 | 2,04,461 |
| દાણીલીમડા | 14,029 | 41,735 | 2,13,392 |
| સાબરમતી | 10,306 | 56,725 | 2,08,128 |
| અસારવા | 12,383 | 41,725 | 1,55,136 |
| દસક્રોઈ | 15,178 | 49,899 | 3,49,525 |
| ધોળકા | 9,522 | 14,574 | 2,30,157 |
| ધંધુકા | 9,847 | 22,558 | 2,46,337 |
| કુલ | 2,53,811 | 8,63,020 | 48,06,916 |
તંત્ર દ્વારા મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 2.53 લાખ મૃતક મતદારોના નામ યાદીમાં હોવાનું સામે આવ્યું હતું. વેજલપુર વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 18,161 મૃતક મતદારોના નામ મળી આવ્યા હતા. અમરાઈવાડી વિધાનસભા બેઠક પર સૌથી વધુ 69,748 મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.
મતદારો કોઈપણ માહિતી કે સહાય માટે 1950 પર સંપર્ક કરી શકશે
નવા નામ ઉમેરવાં, સ્થળાંતર કે અન્ય સુધારા માટે ફોર્મ-6, 7 અને 8 વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર 1950 પરથી પણ માહિતી મેળવી શકાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે, 'રાજ્ય ચૂંટણી અધિકારીશ્રીની કચેરી પાસેથી કુલ 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે. જેઓ દરરોજ 50 જેટલા મતદારોના વાંધા-દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે. અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12 ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે.
મતદાર યાદી સુધારણા : કયું ફોર્મ શેના માટે ભરી શકાશે?
ફોર્મ-6: નવું નામ ઉમેરવા માટે.
ફોર્મ-7 : નામ કમી કરવા, વાંધો રજૂ કરવા માટે.
ફોર્મ-8 : સુધારો, સ્થળાંતર, નામ ઉમેરાયા પછી નવું ચૂંટણી કાર્ડ કઢાવવા અને દિવ્યાંગતા માટે.

