Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Garba organizers declared 1 lakh, society 51 thousand, corporation declared 'Swachh Navratri' competition

ગરબા આયોજકોને 1 લાખ, સોસાયટીને 51 હજાર, કોર્પોરેશને જાહેર કરી 'સ્વચ્છ નવરાત્રિ' સ્પર્ધા

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ગરબા આયોજકોને 1 લાખ, સોસાયટીને 51 હજાર, કોર્પોરેશને જાહેર કરી 'સ્વચ્છ નવરાત્રિ' સ્પર્ધા
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ 'સ્વચ્છ નવરાત્રિ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે યોજાનારી આ સ્પર્ધામાં સોસાયટી તેમજ સામૂહિક ગરબા આયોજકો ભાગ લઈ શકશે. સામૂહિક ગરબા આયોજકો માટે શહેર કક્ષાનું પ્રથમ ઇનામ 1 લાખ રૂપિયા, જ્યારે સોસાયટી માટે પ્રથમ ઇનામ 51 હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સોસાયટી અને સામૂહિક ગરબા આયોજકોએ પોતાના વિસ્તારના સ્થાનિક પબ્લિક હેલ્થ ઓફિસરની મદદથી ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રચવામાં આવેલી વિવિધ કમિટીઓ સ્થળની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.

App Store

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના જણાવ્યા મુજબ, સ્પર્ધાનો હેતુ ઝીરો વેસ્ટ સહિતની પર્યાવરણલક્ષી થીમને પ્રોત્સાહન આપવાનો છે. નવરાત્રિ દરમિયાન ઉત્પન્ન થતા ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા ઉપરાંત સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ હેતુ છે. આ માટે ગરબા સ્થળે પૂરતી ડસ્ટબિનની વ્યવસ્થા, નિર્માલ્ય કલેક્શન, ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ, કચરાનો યોગ્ય નિકાલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો તેમજ જાહેર શૌચાલય જેવી વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે. સ્પર્ધા દરમિયાન સ્થળની મુલાકાત લઈને કુલ 100 માર્કમાંથી 30 માર્ક ઓવરઓલ આદર્શ સફાઈ માટે આપવામાં આવશે. જ્યારે અન્ય વિવિધ માપદંડો માટે 5થી 15 માર્ક સુધીનું માર્કિંગ કરવામાં આવશે.

સોસાયટી માટે શહેર કક્ષાએ 51 હજાર જ્યારે શહેર કક્ષાએ 1 લાખરૂપિયાનું ઇનામ અપાશે

સોસાયટી માટે ઝોન કક્ષાએ પ્રથમ ઇનામ 31 હજાર રૂપિયા, દ્વિતીય 21 હજાર રૂપિયા અને તૃતીય 11 હજાર રૂપિયા રહેશે. જ્યારે શહેર કક્ષાએ પ્રથમ ઇનામ 51 હજાર રૂપિયા, દ્વિતીય 31 હજાર રૂપિયા અને તૃતીય 21 હજાર રૂપિયા રહેશે. સામૂહિક ગરબા આયોજકો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઇનામ 51 હજાર રૂપિયા, દ્વિતીય 31 હજાર રૂપિયા અને તૃતીય 21 હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે. શહેર કક્ષાએ ગરબા આયોજકો માટે પ્રથમ ઇનામ 1 લાખ રૂપિયા, દ્વિતીય 71 હજાર રૂપિયા અને તૃતીય 51 હજાર રૂપિયા રહેશે.

સાત ઝોનલ કમિટીઓ સ્થળ મુલાકાત લેશે

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કમિટીઓ ઝોન અને શહેર કક્ષાએ સ્થળ મુલાકાત કરશે. સાત ઝોનલ કમિટીઓ પ્રથમ ત્રણ વિજેતાઓની યાદી તૈયાર કરશે. ત્યારબાદ સંબંધિત ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર આ યાદી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મારફતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટરને મોકલશે. આ રીતે નવરાત્રિ દરમિયાન માત્ર ગરબાના આયોજન પર નહીં, પરંતુ સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણલક્ષી વ્યવસ્થાઓ પર પણ ધ્યાન આપનાર આયોજકો અને સોસાયટીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News