ફિનલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટના નામે દંપતી સાથે છેતરપિંડી, મુંબઈ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ખુલી પોલ

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને કડીના એક દંપતી સાથે ફિનલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટ અપાવવાના નામે 28 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના મામલે 34 વર્ષીય શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કડીના યુઝ્ડ કાર ડીલર એવા ફરિયાદી પરાગ પટેલનો પરિચય ઓક્ટોબર 2025માં એક મિત્ર મારફતે રોહિત નટવરલાલ શર્મા સાથે થયો હતો. આરોપી રોહિત શર્મા આશ્રમ રોડ પર રત્ના બિઝનેસ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં 'મહંત ટ્રાવેલ્સ' ચલાવે છે. તેણે પરાગ પટેલ અને તેમની 22 વર્ષીય પત્ની રાજકુમારીને ફિનલેન્ડમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી અને કુલ 28 લાખ રૂપિયાનો સોદો નક્કી કર્યો હતો.સિટી ગાઇડ જુઓ
તબક્કાવાર રોકડ રકમની વસૂલાત
ઓક્ટોબર 30, 2025 ના રોજ પરાગ પટેલે ચાણક્યપુરી સ્થિત નેહા અપાર્ટમેન્ટ ખાતે આરોપીને પ્રથમ હપ્તા પેટે 9 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાની ઓફિસે બોલાવીને દંપતીને જોબ ઓફર લેટર આપ્યા હતા. નવેમ્બર મહિનામાં વિઝા અને પાસપોર્ટ પ્રોસેસિંગના નામે વધુ 10 લાખ રૂપિયા રોકડા પડાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન આરોપીએ વોટ્સએપ પર ફિનલેન્ડના નકલી વિઝા મોકલી આપ્યા હતા અને 10 નવેમ્બરે એપોલો હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. આટલું જ નહીં, વર્ક પરમિટ ઇશ્યુ થઈ ગયાનું કહીને ટિકિટના બહાને વધુ 9 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા.
મુંબઈ એરપોર્ટ પર પ્રવાસ રદ અને ભાંડો ફૂટ્યો
દંપતીને ફિનલેન્ડ જવા માટે 30 જાન્યુઆરી 2026 ના રોજ મુંબઈથી ફિનલેન્ડની ફ્લાઇટની ટિકિટ આપવામાં આવી હતી. દંપતી મુંબઈ પહોંચ્યું ત્યારે આરોપીએ ટિકિટ રદ થઈ હોવાનું કહીને તેમને પાછા અમદાવાદ બોલાવી લીધા હતા. ફેબ્રુઆરીમાં ફરીથી ખોટી તારીખ આપીને 27 ફેબ્રુઆરીએ દંપતીને મુંબઈ એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જ્યારે પાસપોર્ટ પરત આપવામાં આવ્યા ત્યારે તેમાં ફિનલેન્ડના કોઈ જ માન્ય વિઝા નહોતા, જેના કારણે દંપતી મુસાફરી કરી શક્યા નહોતા. દંપતીએ પોતાના 28 લાખ રૂપિયા પરત માંગતા આરોપીએ રકમ આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

