VIDEO: અમદાવાદમાં પિતા-પુત્રએ દીકરીને પતાવી દીધી, હત્યાને અકસ્માતમાં ખપાવવા એવો પ્લાન રચ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ
અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારની ઇજ્જતના નામે 22 વર્ષીય યુવતી સોફિયાની તેના પિતા અને ભાઈએ મળીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, સમગ્ર હત્યાને રોડ અકસ્માતમાં ખપાવી દેવા માટે પિતા-પુત્રએ કથિત રીતે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, 12 ઓગસ્ટના રોજ સોફિયા તેના ભાઈ મોહમ્મદ હાબીલ ખાન સાથે મોટરસાયકલ પર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં સોફિયાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જ્યારે તેના ભાઈ મોહમ્મદ હાબીલને સામાન્ય ઇજા થઈ હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસને શંકા જતાં સઘન તપાસ કરી
જોકે, ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસને કેટલીક શંકાસ્પદ બાબતો મળી આવી હતી. ઘટના સમયે વરસાદી વાતાવરણ હોવાથી CCTV ફૂટેજ ઝાંખા હતા. તેમ છતાં ફૂટેજમાં સોફિયા સાથે અન્ય બે લોકો દેખાયા હતા. બીજી તરફ, પરિવારજનોના નિવેદનમાં માત્ર સોફિયા અને તેનો ભાઈ જ મોટરસાયકલ પર હોવાની વાત સામે આવી હતી. આ વિસંગતતાને પગલે પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.
પિતા-પુત્રએ હત્યા કરી હોવાનું કબૂલ્યું
પોલીસે ત્યારબાદ કોલ ડિટેલ રેકોર્ડ (CDR), મોબાઇલ લોકેશન અને સમગ્ર રૂટના આધારે તપાસ આગળ ધપાવી હતી. કડક પૂછપરછ દરમિયાન સોફિયાનો ભાઈ મોહમ્મદ હાબીલ ખાન અને તેના પિતા મોહમ્મદ ફારુક ખાન ભાંગી પડ્યા હતા અને બંનેએ સોફિયાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હોવાનો પોલીસનો દાવો છે.
આબરૂ જવાના ડરે દીકરીને પતાવી દીધી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે થોડા સમય અગાઉ સોફિયાના કેટલાક વીડિયો અને WhatsApp ચેટ વાયરલ થયા હતા. આ મામલે સમાજમાં પરિવારની ઇજ્જત ખરાબ થવાની બીકે પિતા-પુત્રે સોફિયાને મોતને ઘાટ ઉતારવાનો કથિત પ્લાન બનાવ્યો હતો. પરિવારની અન્ય દીકરીઓની સગાઈમાં મુશ્કેલી ઊભી થવાની તેમજ હાબીલની ચાર દીકરીઓના ભવિષ્યમાં લગ્ન સંબંધિત મુશ્કેલી થવાની પણ તેમને આશંકા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
પિતા-પુત્ર ફેબ્રિકેશનનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને સોફિયાને મોટરસાયકલ પર બેસાડી ભાઈજીપુરા વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં તેની સાથે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાને અકસ્માતનો બનાવ દેખાડવા માટે સોફિયાને રસ્તા પર મૂકીને મોટરસાયકલ પણ અકસ્માતગ્રસ્ત થઈ હોય તેવો સીન ઊભો કર્યો હતો.
આરોપીએ બેભાન થવાનું નાટક કર્યું
આ ઘટનામાં હાબીલે પણ પોતાના હાથ પર સામાન્ય ઇજા કરી રસ્તા પર બેભાન હોવાનો દેખાવ કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા એક રિક્ષાચાલકે હાબીલના મોબાઇલ ફોન પરથી તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. આ રીતે સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પિતા-પુત્રની ધરપકડ
જોકે, એમ ડિવિઝન ટ્રાફિક પોલીસની સતર્કતા અને CCTV, CDR તથા મોબાઇલ લોકેશન સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા ઘટનાને લગતા વધુ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

