Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Farmers' money still outstanding even after two months of selling groundnuts; Kisan Congress

સરકાર છે કે સર્કસ? ટેકાના ભાવે મગફળી વેચ્યાના બે મહિના છતાં ખેડૂતોના નાણાં બાકી; કિસાન કોંગ્રેસ આક્રમક

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગર: ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિમંત્રીને પત્ર લખી ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ મગફળી વેચ્યાના દોઢ-બે મહિના વીતવા છતાં હજુ સુધી નાણાં ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

App Store

કૃષિમંત્રીના વચનો પોકળ સાબિત થયા?

પત્રમાં પાલ આંબલિયાએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું છે કે, મગફળી ખરીદી સમયે કૃષિમંત્રી અને પ્રવક્તા મંત્રીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોને મગફળી આપ્યાના 7 જ દિવસમાં નાણાં તેમના ખાતામાં જમા થઈ જશે. જોકે, વાસ્તવિકતામાં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો દોઢ મહિનાથી પોતાના હક્કના રૂપિયા માટે બેંકો અને કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે.

WHR અપલોડના બહાને નાણાં રોકવાનો આક્ષેપ

ખેડૂતોને નાણાં ન મળવા પાછળ સરકારના વહીવટી સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. વેર હાઉસ રિસીપ્ટ (WHR) પોર્ટલ પર અપલોડ ન થઈ હોવાના બહાને ખેડૂતોના રૂપિયા રોકી રાખવામાં આવ્યા છે.  રિસીપ્ટ અપલોડ કરવાનું કામ કેન્દ્ર સંચાલકો કરશે કે વેર હાઉસવાળા, તે નક્કી કરવામાં જ વિલંબ થઈ રહ્યો છે.  સરકાર અને નાફેડનું પોર્ટલ કામ કરતું ન હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

ખેડૂતોની સુરક્ષા સામે સવાલ

પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "સરકાર પાસે તાયફા કરવા માટે રૂપિયા છે, પણ જગતના તાતને તેના હક્કના નાણાં આપવા માટે નથી". મગફળી ખરીદીની મર્યાદા પણ 200 મણથી ઘટાડીને 125 મણ કરી દેવાતા ખેડૂતો પહેલેથી જ નારાજ છે.

આંદોલનની ચીમકી

કિસાન કોંગ્રેસે માંગ કરી છે કે જો આગામી 7 દિવસમાં બાકી રહેલા તમામ ખેડૂતોના નાણાં ચૂકવવામાં નહીં આવે, તો રાજ્યના દરેક જિલ્લા મથકોએ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.