VIDEO: થલતેજમાં એક્ટિવા પર માતા સાથે જતી બાળાને ડમ્પરે કચડ્યું, સ્કૂલેથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતાં 12 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી બાળકીની ઓળખ આરાધ્યા બારોટ તરીકે થઈ છે.
માતાની નજર સામે જ 12 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, આરાધ્યા બારોટ સ્કૂલેથી માતા અને નાના ભાઈ સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન થલતેજ વિસ્તારમાં ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે આરાધ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૌથી કરુણ બાબત એ છે કે માતાની નજર સામે જ 12 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. શાળાએથી ઘરે પરત ફરતી વખતે જ આરાધ્યાને કાળ ભેટ્યો હતો.
ડમ્પરચાલકની ધરપકડ
આ અકસ્માત સર્જનાર ડમ્પર અગાઉ પણ બે લોકોના જીવ લઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે એસ.જી.-1 ટ્રાફિક પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરી છે તેમજ ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

